આજે શિક્ષણ વગરનો માણસ અધૂરો ગણાય છે.શિક્ષણ મનુષ્યનું અભિન્ન અંગ જેવું છે.આવા સંજોગોમાં કચ્છ જિલ્લામાં શિક્ષણની જ્યોત પ્રજ્વલ્લિત કરીને શ્રી નરનારાયણદેવ સ્વામિનારાયણ મંદિર ભૂજ દ્વારા સમગ્ર કચ્છમાં વિદ્યાર્થી ભવનો તથા ગુરુકુળોની સ્થાપના કરીને શિક્ષણક્ષેત્રે અનન્ય યોગદાન આપ્યુ છે.
આજથી ચારેક દાયકા પૂર્વે જ્યારે કચ્છ માત્ર શહેરોમાં જ માધ્યમિક શાળાઓ હતી અને જ્ઞાતિઓ પૂરતી જ છાત્રાલયની સગવડો હતી તેવા સમયમાં ગામડાના વિદ્યાર્થીઓ માટે સાધનોથી સજ્જ માધ્યમિક શાળાની અને તેને સંલગ્ન સાર્વજનિક છાત્રાલયની કચ્છને અનિવાર્ય આવશ્યકતા હતી તેવા કપરાકાળમાં આપણા સંતોએ માધ્યમિક શિક્ષણના આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાનું બીડું ઝડપ્યુ.સંતો અને હરિભક્તોના સહિયારા પ્રયત્નોથી 14મી જૂન 1944ના રોજ પ.પૂ.મહંત સ્વામી શ્રી વલ્લભદાસજીના વરદ હસ્તે શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવન ભૂજની શરૂઆત થઈ. બાળકોને સંસ્થામાં જ શિક્ષણની સુવિધા મળી રહે તે માટે જૂન 1963થી પ.પૂ.મહંત સ્વામી શાસ્ત્રીજી ધર્મજીવનદાસજીના શુભાશિષથી શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ભૂજના પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગો ક્રમશઃ શરૂ થયા.આજે ઉચ્ચ માધ્યમિક વિભાગની સુવિધા પણ છે જેમાં 2008થી વિજ્ઞાન શાખા પણ શરૂ થશે ભૂજમાં શરૂ થયેલ આ સંસ્થાઓ સાચા અર્થમાં સર્વજ્ઞાતિના સત્સંગી વિદ્યાર્થીઓ માટે ઈશ્વરના આશીર્વાદરૂપ સાબિત થઈ છે.આ સંસ્થાની સ્થાપનાનો ઉદ્દેશ ખૂબ જ સ્પષ્ટ હતો.શિક્ષણની ઓછી સવલતોના સમયે બાળકોને વિદ્યાભ્યાસની સવલતો મળે,સંત સમાગમ,ઉચ્ચત્તમ સંસ્કારો પ્રાપ્ત થાય,સત્સંગ સેવક તેમજ સમાજ સેવક,માનવોદ્ધારક બની સંસ્કૃત્તિનો સાચો રક્ષક બને.
આ સંસ્થાના મુખ્ય આધાર સ્તંભ હતા પ.પૂ.શ્રી વલ્લભદાસજી સ્વામી,પ.પૂ.મુરલી મનોહરદાસજી, શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી,શ્રી જયરામ રામજી ચૌહાણ,શ્રી શીવજી ભીમજી પટેલ,પ.પૂ.પુરાણી જ્ઞાનસ્વરૃપ સ્વામી,સ.ગુ.નીલકંઠદાસજી તેમજ અન્ય નામી અનામી સંતો અને સત્સંગીઓ.
નાનકડા મકાનમાં 24 વિદ્યાર્થીઓથી શરૂ થયેલ આ વિદ્યાર્થી ભવન સમય જતા વિશાળ વટવૃક્ષ બની ગયુ.પ.પૂ.સંત મહંત સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજીના પ્રયાસોથી 1995માં વિદ્યાર્થી ભવનના સંકુલ-2નું ઉદઘાટન કરવામાં આવ્યુ.
શ્રીસ્વામિનારાયણ વિદ્યાર્થી ભવન ભૂજમાં રહીને અભ્યાસ કરતા બાળકો ઉચ્ચ શૈક્ષણિક પરિણામો તો મેળવે જ છે સાથે સાથે રમત-ગમત ક્ષેત્રે પણ ઉચ્ચસિદ્ધિઓના શિખરો સર કરે છે.કબડ્ડી,વોલીબોલ, જેવી રમતોમાં વિદ્યાર્થી ભવન વિદ્યાર્થીઓનો કચ્છ જિલ્લામાં ડંકો વાગે છે.વિદ્યાર્થીઓ દર વર્ષે ચેમ્પીયન શીપ મેળવે છે.શાળામાં એન.સી.સી.તથા એન.એસ.એસ.જેવી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓનું સંચાલન ખૂબ જ સફળ રીતે થાય છે.જેના દ્વારા વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો તથા દેશપ્રેમની ભાવના ખીલવવામાં આવે છે.
વિદ્યાર્થી ભવનનું હાલમાં સફળ સંચાલન પૂ.શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી એક ધારા સોળ-સત્તર વર્ષથી કરે છે.તેમના વડપણ હેઠળ શ્રી અક્ષર મુક્ત સ્વામી તથા શ્રી નિલકંઠસ્વરૂપ સ્વામી તથા ટ્રસ્ટી મંડળનો સહયોગ સાંપડે છે.જેમાં પ.પૂ.મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજીનું પ્રેરક માર્ગદર્શન મળી રહ્યુ છે.
ભૂકંપે સર્જેલા વિનાશમાં આ વિદ્યાલયને વ્યાપક નુકશાન થયેલ છે.આથી શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા વિદ્યાલય સંકુલના નૂતન બિલ્ડીંગનું નિર્માણ થયુ છે.જેમાં સમયોચિત શિક્ષણને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.ભૂજનું આ વિદ્યાર્થી ભવન તેમજ વિદ્યાલય સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ છે-સુંદર છે.વિશાળ અદ્યતન ઈમારતો છે.આ વિદ્યાર્થી ભવને સમાજને અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આપી છે.
કોઈપણ શિક્ષણ સંસ્થાના કામનું માપદંડ જાહેરક્ષેત્રની પરીક્ષાનું પરિણામ હોયછે.આ સંસ્થાના ધો.10 અને 12ના પરિણામો ઉડીને આંખે વળગે તેવા સુંદર અને ઉત્કૃષ્ટ છે.તેનો ગ્રાફ સતત ઉંચાઈ તરફ જ ગતિમાન રહ્યો છે.આવા સુંદર પરિણામો કંઈ અમથા-સહજ અને સહેલાઈથી આવી જતા નથી. કઠોર, પરિશ્રમ,વ્યવસ્થિત આયોજન,આયોજનનો ચુસ્ત અમલ,પ્રારંભથી જ પદ્ધતિસરની તૈયારી,સચોટ માર્ગદર્શન,વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસની જાગૃત્તિ,નિયમિતતા,પ્રેમાળ વ્યવ્હાર,શિસ્ત વગેરે અનેક પરિબળો આવાં શ્રેષ્ઠ પરિણામો મેળવવામાં ભાગ ભજવે છે.તપસ્વીના તપ જેવું આ કપરું કાર્ય સુજ્ઞ સંચાલક સંતો સહજતા પૂર્વક કરી રહ્યા છે.જે તેમની વિદ્યાર્થીઓ પ્રત્યે જાગૃત્તિની પ્રતીતિ કરાવે છે.
જેનાં પ્રાંગણમાં પ્રવેશતાં જ પ્રસન્નતાની અનુભૂતિ થાય અને મન પ્રફૂલ્લિતાથી તરબતર થઈ જાય તેવા વિદ્યાર્થી ભવનની સ્વચ્છતા અને સુઘડતા ધ્યાનાકર્ષક છે.આવું અદભૂત આહલાદક વાતાવરણ નિર્માણ કરવાનું શ્રેય સ.ગુ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી તથા તેમના સહયોગી સંતોને ફાળે જાય છે. તેમને આ ઉમદા કાર્યમાં હાલના ટ્રસ્ટીઓ શ્રી કરશનભાઈ ઝીણા જેસાણી,પ્રમુખ શ્રી મૂળજીભાઈ કરશન શિયાણી ઉપપ્રમુખ શ્રી તથા શ્રી અરવિંદભાઈ ગોર મંત્રી શ્રી સહયોગ પાઠવી રહ્યા છે.
|