 |
વૈરાગ્ય,ત્યાગ,સેવા અને સાધનાની પરાકાષ્ઠાએ પહોંચેલ સંતવર્ય શ્રી અદભૂતાનંદસ્વામીનું જીવન એક ઓજસ્વી સંતપુરુષને શોભે તેવું સાદુ,સરળ અને પૂર્ણભક્તિમય હતુ.એમના જીવનની એક વિરલ ઘટના સંપ્રદાયના ઈતિહાસના પૃષ્ઠોમાં સુવર્ણાક્ષર લખાયેલી છે અને એ છે વૈરાગ્યવૈગની.વૈરાગ્યરૃપી તલવારની તીખીધાર વડે માંડવા વચ્ચેથી એક ઝાટકે સંસારના બંધન કાપી મંઢોળબંધા હાથમાં માળા લઈને શ્રીજી મહારાજ પાસે પહોંચી ગયા. |
આવા મહાન સંતવર્યનું બાળપણનું નામ કલ્યાણદાસ હતુ.તેમનો જન્મ સંઘાપટેલને ઘરે માતા દેવુંબાઈની કૂખે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પાસે આવેલા કડુ ગામમાં થયો હતો. બાળપણથી જ સ્વામી વિષયવિષથી દૂર રહ્યા હતા.તેમને મન સંસારના સુંદરમાં સુંદર ભોજ પદાર્થો પણ તુચ્છ હતા.અલખની આરાધનાની પ્રબળ વાંછાથી સ્વામી સં.1852માં કારિયાણીમાં સદગુરુ શ્રી રામાનંદસ્વામીના આશ્રિત બન્યા. દિનપ્રતિદિન શુક્લપક્ષના ચંદ્રમાંની જેમ તેમની ભક્તિ વધતી ગઈ. પ્રેમની સોડમ પથરાતી ગઈ.ભગવાન સિવાયના પદાર્થોમાંથી મન પાછુ પડી ગયુ હતુ.છતા લોકવ્યવ્હાર સાચવવા લગ્નના માંડવે ગયા.સપ્તપદીના સૂત્રો સાથે ફેરા ફરતા હતા ત્યાં શ્રીજી મહારાજનો કાગળ મામા અજા પટેલ પર આવ્યો.
"...અજા જીવા વીરદાસ વળી,લાધા કાળા કમળશી મળી,
એહ સર્વે તજી ઘરબાર,થાજ્યો પરમહંસ નિરધાર."(ભ.ચિં.પ્ર.54)
18-18 સત્સંગના માંધાતાઓ સંસાર સુખને ઠોકરે મારીને મોહનને મળવા ચાલ્યા.ત્યારે એહ સર્વે શબ્દમાં પોતે પણ આવી ગયા એમ માનીને આ કલ્યાણદાસ ફેરા ફરવા પડ્યા મૂકીને ભવના ફેરા છોડાવે એવા ભગવાન શ્રીહરિ સમક્ષ હાજર થયા.શ્રીજી મહારાજ ખૂબ રાજી થયા.પોતાની પાસે બોલાવીને પોતાના હાથે કલ્યાણદાસના હાથેથી માંઢોળ છોડ્યુ અને બોલ્યા કે તમે અદભૂત કાર્ય કર્યુ છે.માટે તમારુ નામ"અદભૂતાનંદ સ્વામી"પાડીએ છીએ.
સંત થયા પછી સ્વામીજગતથી ઉદાસી હોવા છતા પ્રભુ પ્યાસી મુમુક્ષુઓના શ્રેય માટે સતત વિચરણ કરતા.નિષ્કુળઆનંદ સ્વામીની સાથે વૈરાગ્યની વાતમાં જેમનું નામ આદર સાથે લેવાય છે એવા સ્વામીશ્રી ઘર સંસારનું બંધન છોડીને ખાનદેશમાં જ્યારે સત્સંગ વિચરણ કરતા હતા ત્યારે રુપ,ગુણ,ઐશ્વર્ય અને બ્રહ્મવર્ચસ્વથી અંજાય ગયેલા કુંજબારી શહેરના રાજવી નારસિંહજીએ પોતાની બે કન્યાઓ અને અરધુ રાજ્ય સ્વામીને આપવાનો નિશ્ચય કરેલો એ પ્રસંગે પણ માયાના ઘોર તમસમાં સ્વામીની વૈરાગ્ય વીજના ચમકારા જોવા મળે છે.સ્વામી રાતોરાત રાજદરબાર, રાજકન્યાઓ અને વૈભવનો ત્યાગ કરીને ત્યાંથી છૂપી રીતે ભાગી છૂટેલા.
ગામોમાં સ્વામીએ સત્સંગના પાતાળ પાયા નાંખ્યા હતા. એટલુ જ નહિ,પણ દાયકાઓ સુધી ધોલેરા મંદિરના મહંતપદે રહીને સારી એવી સેવા કરેલી.લગભગ શ્રીહરિના સ્વધામ ગમન બાદ આ સત્સંગને સૌથી મોટુ છત્ર અદભૂતાનંદસ્વામીનું મળ્યુ છે.સં.1924માં મુંબઈમાં આચાર્યશ્રી ભગવત્પ્રસાદજી મહારાજે પ્રતિષ્ઠા કરી ત્યારે સ્વામી સાથે હતા એવો ઉલ્લેખ "આચાર્યોદય"ગ્રંથમાં છે.એટલું જ નહિ સં.1935માં આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ ગાદીએ આવ્યા. ત્યારે સ્વામીશ્રી અતિવૃદ્ધ હોવા છતા તેમની સાથે પણ સત્સંગ વિચરણ કરતા અને વિ.સં.1939 કારતક સુદ 14ના દિવસે નંદસંતોમાં સૌથી લાંબુ આયુષ્ય ભોગવી,સત્સંગને સુખ આપીને શ્રીજીની સામીપ્ય સેવામાં હાજર થયા.
વૈરાગ્ય,ત્યાગ,સેવા અને સાધનાની પરાકાષ્ઠાએ પહોંચેલ સંતવર્ય શ્રી અદભૂતાનંદસ્વામીનું જીવન એક ઓજસ્વી સંતપુરુષને શોભે તેવું સાદુ,સરળ અને પૂર્ણભક્તિમય હતુ.એમના જીવનની એક વિરલ ઘટના સંપ્રદાયના ઈતિહાસના પૃષ્ઠોમાં સુવર્ણાક્ષર લખાયેલી છે અને એ છે વૈરાગ્યવૈગની.વૈરાગ્યરુપી તલવારની તીખીધાર વડે માંડવા વચ્ચેથી એક ઝાટકે સંસારના બંધન કાપી મંઢોળબંધા હાથમાં માળા લઈને શ્રીજી મહારાજ પાસે પહોંચી ગયા.
. |