જ્યાં આજે પણ પરબ્રહ્મના પ્રાગટ્યના પવિત્ર સ્પંદનો ગુંજે છે.જેના એક એક રજકણમાં બાળપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજના ચરણાવિંદની છાપની ઝાંખી છે. જે નાનકડું ગામ પોતાની તપશ્ચર્યાનાં પ્રભાવે પરબ્રહ્મની ક્રિડાભુમી બન્યુ, જે ગામની ગરવી ધરતીએ પોતાની ગોદમાં સર્વાવતારી પ્રભુને રમાડી વિશ્વના અજોડ તીર્થસ્થાનોમાં પ્રથમ હરોળનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.જ્યાં વિ.સં.1837 ચૈત્રશુક્લ 9મીને સોમવારના રોજ અક્ષરાધિપતિ સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રગટ થયા હતા તે જ આ આપણું છપૈયાધામ...
છપૈયાધામ ઉત્તર પ્રદેશના ગોન્ડા જિલ્લાના માણેકપુર તાલુકામાં આવેલુ છે.અયોધ્યાથી ઉત્તર દિશાએ માત્ર 20 કિ.મી.ના અંતરે આવેલ આ અલૌકિક ધામમાં ત્રણ શિખરનું,બે માળનું ભવ્ય-દિવ્ય મંદિર આવેલુ છે.આ મંદિરની રચના પ.પૂ.આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદીજ મહારાજની આજ્ઞાથી મૂળીના બ્રહ્મનિષ્ઠ સંતવર્ય શ્રી મહાપુરુષદાસજી સ્વામીએ કરેલી.વિ.સં.1907 જેઠ સુદ 11ના દિવસે આચાર્યશ્રી એ વેદોક્ત વિધિથી ઘનશ્યામ પ્રભુએ પ્રતિષ્ઠા કરેલી.કાળક્રમે આ મંદિરનો જીર્ણોદ્ધાર અમદાવાદ ગાદીના વર્તમાન પીઠાધીપતિ પ.પૂ.આચાર્યશ્રી તેજેન્દ્ર પ્રસાદી મહારાજે કરાવ્યો,સારુયે મંદિર આજે આરસમાં ઓપી રહ્યુ છે.
ભગવાનશ્રી સ્વામિનારાયણના જન્મ સ્થાનરુપ આ અજોડ તીર્થધામ છે.
આજે છપૈયા મુખ્ય મંદિરથી પશ્ચિમ દિશામાં શ્રીહરિના જન્મ સ્થાને બંગલા ઘાટનું મંદિર છે.જ્યાં ધર્મદેવનું ઘર હતું તે જ જગ્યાએ મંદિર બાંધવામાં આવ્યુ છે.આ મંદિરમાં બાળસ્વરુપ ઘનશ્યામ મહારાજ વિરાજે છે.
છપૈયામાં નારાયણ સરોવર,ખાપા,તલાવડી,ગાયઘાટ,મીનસરોવર,આંબાવાડી,ત્રિકોણીયુ ખેતર, જાંબુડાની વાડી જેવા અનેકાએક પ્રસાદીના સ્થાનો આવેલા છે.ટૂંકમાં છપૈયા ધામના પ્રસાદીના સ્થાનોની યાદી ન લખાય.છપૈયાના ઘેરે ઘેરે,ગલીએ ગલીએ બાળ ઘનશ્યામના ચરણાવિંદ પડ્યા છે. આજે પણ ત્યાંની દિવ્યભૂમિ તેની સાક્ષી છે.વિશ્વયાત્રીને પણ છપૈયાની ધન્યધરામાં પ્રવેશ કરતા જે શાંતિ થાય છે તે અન્યત્ર અસંભવ છે.
|