શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ (ને.હા.નં.8)પર આવેલુ અતિ પ્રસિદ્ધ માત્ર એક જ મંદિર છે અને એ છે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલુ 'જેતલપુર'. નિજ મંદિરના ઉચ્ચ શિખરો પર ફરકતી ધર્મધજાના રોજ લાખો મુસાફરો દર્શન કરે છે.એટલુંજ નહીં, જેતલપુરધામ લાખો હરિભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.આ ધામના કણકણમાં આસ્થાના સ્પંદનો ગુંજે છે. કારણ કે ભગવાન શ્રી હરિને 'દિકરો'કહીને બોલાવી શકે એવા પ્રેમાળ'ગંગામા' જેવા ભક્ત આ ગામમાં રહેતા હતા.એટલે જ કદાચ સંપ્રદાયના અનુયાયીઓ સૌથી વધુ પદયાત્રા આ ધામની કરે છે.
વડોદરાથી અમદાવાદ જતા જમણાં હાથે ત્રણ શિખરનું ઉગમણાં બારનું વિશાળ મંદિર દેખાય છે. આનંદાનંદ સ્વામીની દીર્ઘ દ્રષ્ટિએ સંપ્રદાયને આ મંદિરની ભેટ આપી છે.સંવત 1893ના ફાગણવદ આઠમના રોજ આચાર્ય પ્રવર અયોધ્યાપ્રસાદજી મહારાજે પ્રાણપ્રતિષ્ઠા કરીને મધ્યખંડમાં રેવતી બળદેવજી અને હરિકૃષ્ણ મહારાજ,દક્ષિણખંડમાં રાધાકૃષ્ણ અને ઉત્તર ખંડમાં સુખશૈયાની સ્થાપના કરી છે.
આ મંદિરની પાસે એક વિરાટ માનવ મહેરામણને સમાવી શકે તેવો ભવ્ય સભામંડપ છે.તેમાં ગંગાબાની સેવ્ય રાધાકૃષ્ણની મૂર્તિઓ છે.જે પ્રત્યક્ષ દૂધ પાન કરી.
મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારની સામે નેશનલ હાઈવે પાર કરતા એક વિશાળ સરોવર છે.આ દેવ સરોવર અતિ પ્રસાદીનું છે.તળાવના કાંઠે સંપ્રદાયના ઐતિહાસિક યજ્ઞની સ્મૃત્તિ કરાવતી શિલ્પયુક્ત છત્રી છે.સાથોસાથ જ્યાં સભામાં બેસીને શ્રીહરિએ જીવણભક્તની ભાજી અને મઠનો રોટલો જમ્યા હતા એ સ્મરણીય મહેલ છે.જેની અગાશીમાં તે સ્થાને પણ છત્રી છે.તળાવના કિનારેથી થોડુ આગળ જતાં દેવવાડી છે.ત્યાં બોરસલીનું પ્રસાદીનું વૃક્ષ છે.
આ ઉપરાંત બીજા ઘણાં પ્રસાદીના દિવ્ય સ્થાનકો આવેલા છે.આજે સંપ્રદાયના સંતો માટેની પાઠશાળા પણ જેતલપુરમાં ચાલે છે.
|