માતા જેતબાઈને પોતાના પનોતાપુત્રરત્નને પરમેશ્વરના પદારવિંદમાં સમર્પિત કરવાની અનોખી ઝંખના લાગેલી.તેમણે પોતાના વહાલસોયા બાળકનું ઘડતર સત્સંગના સંસ્કારો રેડીને કર્યુ.માતાના ઘડતરથી પુત્રરત્નના હૃદયમાં ધીમે ધીમે વૈરાગ્ય અને ત્યાગની ધુણી ધખવા માંડી.એ અરસામાં સ્વયંપ્રકાશાનંદ સ્વામી માણાવદર પધાર્યા ત્યારે આ નવયુવકે સંસારને તિલાંજલિ આપી સંતમંડળ સાથે ગઢપુર આવ્યા.
ત્યાગના થનગનાટથી નાચતા નવયુવકને જોઈ સ્વયં શ્રીહરિ અતિપ્રસન્ન થઈ દિક્ષા આપીને મંજુકેશાનંદ નામ ધરાવ્યુ.શ્રીહરિએ તેને સંગીતનું ઉચ્ચ શિક્ષણ આપ્યું.નિત્યાનંદ સ્વામી પાસે વ્યાકરણ,કાવ્ય, ઈતિહાસ વગેરેની સાથે આધ્યાત્મિક શાસ્ત્રોનું ગહન અધ્યયન કર્યુ.સંસ્કૃતની સાથે હિન્દી ભક્તિપદોનો ઉંડો અભ્યાસ કરીને તેમણે હિન્દી ભાષા ઉપર સારું એવું પ્રભુત્વ પ્રાપ્ત કર્યુ.મરાઠી ભાષામાં પણ નિપુણ થયા.શ્રીહરિના ઉદ્દેશ અને ચરિત્રો તેમના કાવ્યના વર્ણ્ય વિષય બન્યા.
એક ઉપદેશક સંતકવિ અને શ્રીહરિની આજ્ઞા ઉપાસનાના છડીદાર તરીકે જીવનભર સત્સંગના કથાવાર્તાના પડછંદા ગુંજવનાર સ્વામી મંજુકેશાનંદજીની વક્તૃત્વશક્તિ અતિમોહક હતી.તેમની વાણી સાંભળવા ભક્ત મેદની ઉમટી પડતી.
સ્વામી વાગ્વૈદુષ્યના વીજચમકારાઓથી કાનમ,વાકળ,ચરોતર,અને ખાસ કરીને પૂર્વખાનદેશમાં વિશેષ સત્સંગનો પ્રચાર થયો હતો.વાણીની સાથે સાધુતાનું લાક્ષણિક શાંત તેજ ભક્તજનોના મનમયૂરને આંજી દેતુ.સંસ્કૃત,સંગીત,કવિત્વ,સાધુત્વની ગાથા સાથે સ્વામીશ્રી પાસે એક વધારાની જ્ઞાનશક્તિ હતી.અને એ છે વૈદ્યકિય જ્ઞાન.ઉતમ ચિકિત્સકને જોઈએ એટલુ વૈદ્યકિય જ્ઞાન સ્વામીને સહજ હતુ.સ્વામી જાતે દવા બનાવતા અને નિઃસ્વાર્થભાવે જનમસમાજમાં વહેંચતા.
સ્વામીએ 'ઐશ્વર્ય પ્રકાશ,ધર્મપ્રકાશ,હરિગીતાભાષા,એકાદશી મહાત્મ્ય,નંદમાલા'જેવા ગ્રંથો લખ્યા છે.તેમણે રચેલ પ્રાપ્ય પદો "મંજુકેશાનંદ કાવ્ય"નામથી પ્રસિદ્ધ થયા છે. |