કોઈ જગપ્રસિદ્ધ શિલ્પકાર પોતાની તમામ આવડતનો ઉપયોગ કરે અને જે શ્રેષ્ઠ શિલ્પ સ્થાપત્યની બેનમુન કૃતિ તૈયાર થાય તેવું સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની શિલ્પ સ્થાપત્ય કલા કૌશલ્યના આદર્શ પ્રતીક સમુ વિમાન આકારે ઓપતુ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરથી 22કિ.મી.ના અંતરે ઐતિહાસિક મૂળીમાં આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર એજ આપણું આગવું તીર્થ સ્થાન મૂળીધામ...
ઈતિહાસની દ્રષ્ટિએ મૂળી ગામે પાંચ હજારથી વધુ વર્ષો પહેલા તીર્થત્વ પ્રાપ્ત કર્યુ હતુ.મથુરાથી દ્વારકા જતા શ્રીકૃષ્ણ,બળરામ આ ગામમાં નિવાસ કરીને રહ્યા હતા.પરિણામે ઈતિહાસમાં મૂળી ગામને દ્વારકાનું મૂળ કહે છે.
શ્રીજી સમકાલીન કાઠી ભક્તોમાં આદર્શ ચારિત્ર્ય સંપન્ન અને મૂળી સ્ટેટના રાજવી રામભાઈની ભક્તિને વશ થઈને શ્રી હરિ જ્યારે જ્યારે લોયા-નાગડકા આવતા ત્યારે મૂળી ધામ પધારતા.વિક્રમ સંવત 1879માં દરબારશ્રી રામભાઈ એ પોતાના સ્ટેટ પાટનગર મૂળીમાં મંદિર બનાવવા માટે વિશાળ જમીન કૃષ્ણાર્પણ કરી.શ્રીજી મહારાજે તત્કાળ લોયાધામથી શ્રી રાધાકૃષ્ણ દેવની દિવ્ય પ્રતિમાઓ મંગાવી અને દરબારે અર્પણ કરેલ ઓરડામાં જ સવંત 1879ના મહાસુદ પાંચમના રોજ પ્રતિષ્ઠા કરી.
શ્રીજી મહારાજે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરેલી કે મૂળીધામમાં અમારી ઈચ્છા મુજબનું મંદિર તૈયાર કરશો ત્યાર પછી જ તમને અમે ધામમાં લઈ જઈશું.શ્રી હરિનો આ સંકેત પામીને સ્વામીએ પથ્થર પાણી જેવી પાયાની અનંત વિટંબણાઓની વચ્ચે પણ ઓરડાની જગ્યાએ જ ભવ્ય મંદિર બંધાવ્યુ છે.
મધ્યમંદિરમાં મુખ્ય દેવ તરીકે શ્રીરાધાકૃષ્ણ,હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓ છે.જમણી બાજુ ધર્મભક્તિ,દક્ષિણબાજુ રણછોડ ત્રીકમરાયની પાસે સુખશૈયાને ઉત્તર બાજુએ શંકરપાર્વતીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલી છે. મંદિરની આથમણી રુપ ચોકીમાં હનુમાનજી ગણપતિની મૂર્તિઓ છે.
મંદિરથી દક્ષિણમાં વિશાળ સભામંડપ સત્સંગના વિરાટ વારસાની સાક્ષિપુરે છે.મંદિરથી વાયવ્ય કોમમાં લીંબવૃક્ષ અને પ્રસાદીનો કૂવો છે.મંદિરનાં મુખ્ય પ્રવેશ દ્વારની સામે બહારના ભાગમાં દતાત્રેય શિષ્ય રાજવી અલર્કે બનાવેલી એક પૌરાણિક વાવ આવેલી છે.જ્યાં મહારાજ પરમહંસો સહિત અનેકવાર નાહ્યા છે.
આમ આ ધામમાં અનેક પ્રસાદીના સ્થાનો આવેલા છે. તેમાં એક કાષ્ઠકલાકૃતિ ક્ષેત્રે આગવી મહત્તા ધરાવી સુંદર કલાકૃતિયુક્ત હવેલી આવેલી છે.
|