સ્વામીશ્રીનો જન્મ વિ.સં.1855માં ડભાણ ગામે રહેતા પવિત્ર ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. બાળપણનું નામ જગન્નાથ હતુ. મેઘાવી પ્રતિભાથી વિદ્યાભ્યાસમાં ટૂંક સમયમાં સારી એવી પ્રગતિ કરેલી.સ્વભાવે બાલ્ય અવસ્થામાંથી ભગવદ પારાયણ હતા. પરિણામે શ્રીહરિની આજ્ઞાથી ડભાણમાં સંસ્કૃત અભ્યાસ માટે રહેતા સંતો સાથે હેત-પ્રીત થતા સત્સંગ થયો.શ્રીજી મહારાજની સેવા કરવા ગઢપુર ગયા.દિક્ષા પ્રસંગે મહારાજે તેમને સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી પાસે મોકલ્યા.સ્વામીએ તેમને દિક્ષા આપી શુકાનંદ નામ પાડ્યુ.ત્યારે મહારાજે કહ્યું કે મુક્તાનંદ સ્વામી પણ જાણે છે કે આ શુકદેવજી સ્વયં છે.
શુકમુનિની વિદ્વતા,સાધુતા અને લેખનશૈલીથી શ્રીહરિ અતિ પ્રસન્ન રહેતા.અક્ષરઓરડીની બાજુમાં જ મહારાજે તેમને ઓરડી આપેલી સ્વામીએ સતત શ્રીહરિના પત્રો,ગ્રંથોનું લેખન કાર્ય કર્યુ છે.નિઃસ્વાર્થ, નિખાલસ સેવા પ્રવૃત્તિથી પ્રસન્ન થઈને એકવાર શ્રીહરિ સભામાં સ્વામીનો હાથ ઉંચો કરીને બોલેલા કે કોઈ ધારણા-પારણા કે કોઈ ચાન્દ્રાયણ કરે પણ આ શુકમુનિ તુલ્ય થાય નહિ.વચનામૃતને પાને નોંધાયુ છે કે આ શુકમુનિ તો બહુ મોટા સાધુ છે.અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે.તે દિવસથી એમનો ચડતોને ચડતો રંગ છે.પણ મંદ પડતો નથી.માટે તો એ મુક્તાનંદ સ્વામી જેવા છે.ટૂંકમાં સ્વામીની સાધના સફળ થયેલી.એમણે શ્રીજીનો લખલુંટ રાજીપો મેળવેલો.
સ્વામીએ સેવાની સાથે સાહિત્યક્ષેત્રે સંસ્કૃતમાં 7 અને ગુજરાતીમાં 9 ગ્રંથો રચ્યા છે.એકવાર સ્વામી શ્રીહરિના સાનિધ્યમાં પત્રલેખન કરતા હતા ત્યારે દીપ બુઝાય જતા શ્રીહરિએ જમણા પગના અંગુઠામાંથી તેજ રશ્મિઓ પાથરીને સ્વામીનો અધુરો પત્ર પુરો કરાવ્યો હતો.આ લીલા અતિપ્રસિદ્ધ છે.
કોઈવાર અતિઆનંદમાં આવીને શ્રીજી મહારાજ કહેતા કે અમને ત્રણ વસ્તુ બહુ ગમે છે.ડભાણીયા સંત, ડભાણીયો આંબો,ડભાણીયા બળદ.
શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી સ્વામી સતત વિયોગમાં ઝંખી રહેતા.છતાગામડે ગામડે ફરતા અને સત્સંગીઓને અપૂર્વ બળ આપતા.સ્વામીએ શિક્ષા માટે દેહાધ્યાસ ટાળવા સતત 12 વર્ષ સુધી શરીરમાં મંદવાડને સ્થાન આપ્યુ હતુ.શ્રીહરિએ કૃપા કરીને સ્વામીનો તાવ કાઢેલો.તે 12 વર્ષ તાવનું દુઃખ સહન કરીને સં.1925 માગશર વદ પાંચમના રોજ વડતાલમાં દુઃખગ્રસ્ત શરીર છોડીને શ્રીહરિના સાનિધ્યમાં પહોંચ્યા.
|