શ્રીહરિચરિત્રામૃત સાગર ગ્રંથના પૂર-18માં તરંગ 25 થી 31સુધઈમાં વાત છે કે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી,બ્રહ્માનંદ સ્વામી અને શામળીયા ચૈતન્યાનંદ સ્વામીને સર્વપ્રથમ સદગુરુ પદે સ્થાપીને ભગવાન શ્રીહરિ હરિભક્તોને આજ્ઞા આપે છે કે મારા વચનથી તમારે આ સદગુરુઓને માનવા અને બધાય સંતોથી તેમને પહેલા પૂજવા અને આરતી કરવી.આમ,શામળીયા ચૈતન્યાનંદ સ્વામીનું બહુમાન શ્રીજી મહારાજે કરેલું છે.
મહાન સમર્થ સદગુરુ શામળીયા ચૈતન્યાનંદ સ્વામીનો એક મનનીય પ્રસંગ શ્રીહરિચરિત્ર ચિંતામણી ભાગ-3 વાત 62માં વિસ્તૃત પણે વર્ણવ્યો છે.સ્વામી યોગીરાજ શ્રી ગોપાળાનંદસ્વામી પાસે વાતો સાંભળવા આવતા ત્યારે સ્વામી ગાદી તકીયો નંખાવીને શામળીયા ચૈતન્યાનંદ સ્વામીને બેસાડતા.શ્રીહરિના પુરૂષોત્તમપણાની કેટલીક વાતો ગોપાળાનંદસ્વામીના મુખેથી સાંભળીને એક દિવસ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કહ્યુ કે તમે મને મળ્યા ન હોત તો મારે સમજણમાં ઘણી કસર રહી જાત. આ રીતે ગોપાળાનંદ સ્વામીના સમાગમથી પોતાની મોટાઈનું અભિમાન ટળી ગયુ અને પોતે પૂર્ણ સાધુતા ગ્રહણ કરી,પોતાની પાસે 60 જોડી ચરણાવિંદ હતા તે ગોપાળાનંદ સ્વામી આગળ મૂકી દીધા અને જે શ્રીજી મહારાજની આજ્ઞાથી અલગ જમવાનુ,સૂવા માટે ઢોલિયો વગેરે સુવિધાઓનો ત્યાગ કરી દીધો.આ પ્રમાણે શામળીયા ચૈતન્યાનંદ સ્વામીએ પોતાનો સ્વભાવ ટાળી નાંખ્યો.
સ્વામી શ્રીજી મહારાજની આજ્ઞાથી સુરત સત્સંગના પ્રચાર માટે ગયેલા ત્યાં સુરતના નવાબ તથા અરદેશર કોટવાલ વગેરે હરિભક્તોને ઉપદેશ આપી સત્સંગની દ્રઢતા વધારેલી અને સ્વામી સુરતથી પાછા પધારેલા ત્યારે શ્રીજી મહારાજ સામા ગયેલા અને અશ્વ ઉપરથી હેઠા ઉતરીને બાથમાં ઘાલીને સ્વામીને મળેલા. શ્રીજી મહારાજને સ્વામી ઉપર આવું હેત હતુ.
આ પ્રમાણે સદગુરુ શામળીયા ચૈતન્યાનંદજી સ્વામી શ્રીહરિના એક મહાન સમર્થ સંત હતા.આ વાત સમગ્ર શાસ્ત્રોનું દોહન કરતા નિશ્ચિતપણે દ્રઢ થાય છે.વચનામૃતમાં પણ ઘણી જગ્યાએ શ્રીજી મહારાજે સ્વામીનો નામોલ્લેખ કર્યો છે.
સ્વામી દત્તાત્રેયનો અવતાર હતા.સ્વામીની વંશપરંપરાના ગઢપુરમાં 95 જેટલા સંતો છએ.સ્વામીને સત્સંગ વધારવાની જે ધગશ હતી તે રીતે તેમની પરંપરાના સંતોપણ બહોળો પ્રચાર કરી રહ્યા છે. સ્વામીનો અક્ષરવાસ ગઢપુરમાં 1903 માગશર સુદ પૂનમના રોજ થયો હતો. |