20મી સદીના પ્રારંભ સુધી ધોલેરા બંદર અતિ સમૃદ્ધ હતુ.ધોલેરાના મુખ્ય ભક્તો પુજાભાઈ,અજુબા તથા ફુલીબા હતા.એકવાર શ્રીજી મહારાજ ધોલેરા પધાર્યાને સાંજે તળાવની પાળ ઉપર ઢોલીયો ઢળાવીને બિરાજ્યા.પુજાભાઈ તથા ગામના આગેવાનો ભક્તોએ શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે,હે મહારાજ ! આપ ધોલેરામાં મંદિર કરાવો તો ભાલ પ્રદેશમાં સત્સંગ સારો જળવાય.આ સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા કે જ્યાં અમારો ઢોલીયો ઢળાવ્યો છે.એ જ જગ્યાએ સિંહાસન બને એવું ગગનચુંબી મંદિર કરાવો.પછી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જગ્યાની નિશાની પાકી રહે તે માટે ચાર પાયાની જગ્યાએ ખીલીઓથી નિશાની કરાવી. શ્રીજી મહારાજે મંદિરનું બાંધકામ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી તથા અદભુતાનંદ સ્વામીની દેખરેખ નીચે સોંપ્યુ.
ગગનચુંબી મંદિર તૈયાર થતા શ્રીજી મહારાજ ધામધૂમથી પ્રતિષ્ઠા વિધિ કરવા ધોલેરા પધાર્યાને સવંત 1882ના વૈશાખ સુદ તેરશ(તા.19/5/1826)ના રોજ મદનમોહનજી મહારાજ તથા હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી.મંદિરની પૂર્વે બાજુએ શ્રી ઘનશ્યામ મહારાજની ઉભી મૂર્તિ છે. પશ્ચિમની બાજુના મંદિરમાં શ્રીજી મહારાજની સુખશૈયા સ્થાપવામાં આવી છે.પશ્ચિમ દિશામાં પગથીયા છે. ત્યાં શેષશાયી વિષ્ણુભગવાન, સૂર્યનારાયણ, ધર્મભક્તિને શ્રી ઘનશ્યામ મહારાજ તથા પૂર્વ બાજુએ શીવપાર્વતી પધરાવવામાં આવ્યા છે.
આ મંદિરની પશ્ચિમ દિશામાં સભામંડપ છે.અને તેની પાછળ પુજા ભક્તના પ્રસાદીના મકાનો હતા ત્યાં સુંદર છત્રી છે. મંદિરની દક્ષિણ દિશામાં સુંદર એક તળાવ છે. ત્યાં એક પ્રસાદીની છત્રી છે.
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી સારા શિલ્પજ્ઞ હોવાથી તેમણે જાતે જ એક ભવ્ય કમાન બનાવી મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લગાવી છે.તે પ્રસાદીની કમાન ભક્તોના આકર્ષણનું કેન્દ્ર છે નિષ્કુળાનંદસ્વામી પોતાની ઉતરાવસ્થામાં શ્રીજી મહારાજની આજ્ઞાથી ધોલેરામાં જ રહ્યા હતા. જ્યાં સ્વામીના પંચભૂતના દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો તે જગ્યા ઉપર સ્મૃત્તિરુપે એક છત્રી બનાવવામાં આવી છે. શ્રીજી મહારાજે અદભૂતાનંદ સ્વામીને ધોલેરા મંદિરના પ્રથમ મહંત બનાવ્યા હતા.ભાલ પ્રદેશમાં ધોલેરા મંદિર યાત્રાધામ તરીકે સુપ્રસિદ્ધ છે.
|