સ્વામીનો જન્મ દાતિયા(લખનૌ) ગામમાં વિષ્ણુશર્મા વિપ્રના ગૃહમાં માતા વિરજાની કુખે સવંત1849 ચૈત્ર સુદ 9ના રોજ થયો હતો.બાળપણનું નામ દિનમણી શર્મા હતુ.ચંદ્રની જેમવૃદ્ધિ પામતા દિનમણી શર્માનો 8માં વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર થયો.
વિશેષ વિદ્યાભ્યાસ માટે કાશી ગયા.સરસ્વતીએ પોતાની સર્વસંપત્તિરુપ વાણી વિલાસ,અજોડ ભાષા વૈભવ અને રસમાધુર્યનો કળશ દિનમણી શર્મા ઉપર ઢોળ્યો.અવિનાશીના મિલનની અલભ્ય ઝંખના થઈ.તીર્થાટન માટે નીકળેલા દિનમણી શર્માને ઉંઝામાં શ્રીહરિના દર્શન થયા.પૂર્વની પ્રીત પ્રગટી. ભાગવતી દીક્ષા ગ્રહણ કરી નિત્યાનંદ નામ ધારણ કર્યુ.
શ્રીહરિએ આગવી પ્રતિભાસમ્પન્ન આ સંતને સર્વ વિદ્યાવારીધ બનાવવા માટે નાંદેલના પુરુષોત્તમ ભટ્ટ પાસે વિશેષ શાસ્ત્રાભ્યાસ કરાવ્યો અને વર આપ્યો કે જગતનો ગમે તેવો મોટો પંડિત આવશે તો પણ તમને જીતી શકશે નહિ,સદા તમારો દિગ્વિજય થશે.
શ્રીજી મહારાજ પાસેથી વરદાન મેળવીને સ્વામી સંપ્રદાયનો દિગ્વિજય કરવા નીકળી પડ્યા.શ્રીનગર, જુનાગઢ,જામનગર,ગોંડલ,ખંભાત, રાજકોટ, બોટાદ વગેરે સ્થાનોમાં ભિન્ન ભિન્ન સંપ્રદાયના કહેવાતા અજેય અને પ્રકાંડ પંડિતોને પરાજયનો સ્વાદ ચખાડ્યો.
ઉમરેઠ જેવા અદ્વૈતવેદાંતીયોના અખાડામાં સદગુરુવર્ય શ્રી મુક્તાનંદ સ્વામીએ રોપેલ સત્સંગવૃક્ષને વટવૃક્ષની જેમ વિકસાવવાનું શ્રેય નિત્યાનંદ સ્વામીને ફાળે જાય છે.
શાસ્ત્ર વ્યાસંગી સંતશ્રી નિત્યાનંદ સ્વામીએ સતત વિચરણ અને શાસ્ત્રાર્થો દ્વારા સંપ્રદાયનો ડંકો વગાડ્યો. એટલું જ નહી,"શ્રી હરિ દિગ્વિજય" નામનો અદભૂત ગ્રંથ પણ લખ્યો છે.શાંડિલ્યસૂત્રનું ભાષ્ય, સત્સંગીજીવન ટીકા,જેવા તેમના ગ્રંથો નોંધપાત્ર છે.
શરીરના છેલ્લા શ્વાસ સુધી સંપ્રદાયની ચિંતા કરનાર આ સંત સ્વેચ્છાએ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને સત્સંગની ભલામણ કરીને સંવત 1908માગશર સુદ 11ના રોજ સિદ્ધાસનવાળી ધ્યાનમાં મગ્ન થયા. સ્વામીનો અંત્યેષ્ટિ સંસ્કાર જ્ઞાનબાગમાં થયો હતો. |