જ્યાં ક્યારેય પણ દુષ્કાળના દાનવનુ દર્શન થતુ નથી. એ લીલોતરી વૃક્ષો પર વસંત બેસીને સદા વાતાવરણને મહેકાવતી રહે છે. એવી ચરોતરની ધરાતલની મખમલ સમમાટીમાં કમલાકાર નયનરમ્ય નવ શિખરનુ ભવ્ય મંદિર તૈયાર થયુ.
પૌરાણિક ગાથા અનુસાર એ સ્થાનમાં બોરડીના નીચે ભૃગુઋષિની પુત્રી લક્ષ્મીજીએ તપ કરીને ભગવાનને રાજી કરીને વરદાન માગ્યુ હતુ કે આ સ્થાન મને ઘણું વહાલુ છે. તેથી આ જગ્યાએ મંદિર બાંધીને આપશ્રીની મૂર્તિ પધરાવજો.
ચરોતર પંથકમાં જેમનુ નામ પ્રખ્યાત લુંટારામાં પંકાતુ એવા જોબનને જદુવરમાં પ્રીત બંધાણી અને પોતાનુ જીવન મહારાજના ચરણે સમર્પિત કર્યુ. એ ભકતના તન,મન,ધનના સમર્પણથી બ્રહ્માનંદ સ્વામીની વ્યવહાર દક્ષતા,આવડત સૂઝથી સુંદર મંદિર તૈયાર થયુ. એ કમલાકાર રમણીય મંદિરમાં શ્રીજી મહારાજે વિક્રમ સંવત 1881 કારતક સુદ દ્વાદશી (તા. 3-11-1824)ના રોજ વેદોક્ત વિધિપૂર્વક લક્ષ્મીનારાયણ દેવ,ભકિતધર્મ સહિત વાસુદેવનારાયણ, શ્રી રાધાકૃષ્ણદેવ અને પોતાનુ સ્વરુપ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. મહારાજે મૂર્તિઓને બે ઘડી પર્યંત નિર્નિમેષ દ્રષ્ટિથી નિરીક્ષણ કર્યુને મૂર્તિઓ દિવ્ય તેજસ્વી દૈદીપ્યમાન બની. દર્શન કરનાર સૌ આશ્ચર્ય મુગ્ધ થઇ ગયા.
પ્રતિષ્ઠા પછી મહાસભામાં શ્રીહરિએ પ્રસ્થાપિત મૂર્તિઓનો અપૂર્વ મહિમાં કહીને વર આપ્યો કે દર માસે પૂનમને દિવસે શ્રદ્ધાભક્તિપૂર્વક આ સ્વરુપોના જે દર્શન કરશે. તેમના સર્વ મનોરથો સિદ્ધ થશે.
સચ્ચિદાનંદ સ્વામીનુ દુઃખ જોઇને દ્વારિકાધિશે સચ્ચિદાનંદ સ્વામીને વરદાન આપ્યુ કે હું વડતાલ પધારી લક્ષ્મીનારાયણ સ્વરુપમાં બિરાજીશ. તેથી વડતાલની યાત્રા કરવાથી દ્વારિકાધિશની યાત્રા પરિપૂર્ણ થાય છે.
શ્રીજી મહારાજે સદ્ધર્મની રક્ષા માટે બન્ને આચાર્યની સ્થાપના વડતાલમાં કરી. લક્ષ્મીનારાયણ દેવના મંદિરથી નૈઋત્ય ખૂણામાં હરિમંડપ છે. ત્યાં શ્રીહરિએ પોતાના સ્વરુપ સમી શિક્ષાપત્રી લખી છે. મંદિરના અગ્નિખૂણામાં નારાયણ મહોલ છે. જ્યાં રામપ્રતાપભાઇનો બંગલો છે. મંદિરથી ઇશાન ખુણામાં ધર્મવંશી આચાર્યોની હવેલી છે. જે શ્રીજી મહારાજની આજ્ઞાથી સંતોએ આચાર્યશ્રી રધુવીરજી મહારાજ માટે બનાવી છે.ત્યાં મહારાજે અનેક વખત ફુલદોલના ઉત્સવ કર્યા છે. આમ વડતાલની રજે રજમાં કણેકણમાં શ્રીજી મહારાજના દિવ્ય સાનિધ્યના સ્પંદનો આજે પણ ગુંજે છે. મંદિર તરફથી ધાર્મિક,શૈક્ષણિક અને સામાજિક સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે.
|