સ્વામીશ્રીનો જન્મ ખોલડિયાદ ગામે રહેતા ગુર્જર જ્ઞાતિના હંસરાજભાઈને ઘરે થયો હતો.તેમનું બાળપણનું નામ વીરજી હતુ.સત્સંગનો રંગ તેમના પરિવારના અંગે અંગમાં વ્યાપી ગયો હતો.ઋષિમુનિના આશ્રમ જેવા પવિત્ર ગૃહસ્થાશ્રમના ભક્તિમય સંસ્કારોની વીરજીના જીવનમાં ઉંડી અસર થઈ.યુવાનીના ઉંમરે પહોંચેલા વીરજીએ માતા પાસે કન્યા વરવાની નહિ,પણ હરિવરને વરીને અમરત્વના પંથે પ્રયાણ કરવા માટેની માંગણી કરી.માતાએ ધ્રુવની ઝાંખી કરાવી પુત્રને પરમેશ્વરના પંથે પ્રયાણ કરવાની પ્રેરણા આપી.પણ પિતા હંસરાજભાઈ સ્વયં ગૃહ ત્યાગ કરવા તત્પર હોય પુત્રને ઘેર રહેવા બહુ સમજાવ્યો.ગુરુદેવ શ્રી મુક્તાનંદ સ્વામી પાસે પણ સમજાવ્યા. પરંતુ અંતે વીરજીની વૈરાગ્ય વિભાવનાથી પ્રભાવિત થઈને સ્વામીએ હંસરાજભાઈને ગૃહસ્થાશ્રમમાં રહેવાની આજ્ઞા આપી અને વીરજીને સાધુ થવાની રજા મળી. પિતા પુત્ર બંન્નેને સ્વામી શ્રીજી મહારાજ પાસે લઈ ગયા અને સર્વ હકીકત સંભળાવી ત્યારે શ્રીહરિ બંન્ને પર અતિ પ્રસન્ન થયા અને ભેટી પડ્યા.
મુક્તાનંદ સ્વામીના નિર્ણય મુજબ શ્રીહરિએ વીરજીને દીક્ષા આપી અને "આધારાનંદ સ્વામી"એવું નામ પાડ્યું.
સદગુરુ શ્રી આધારાનંદ સ્વામી ગુર્જર સુથાર હોવાથી હસ્તકલા કૌશલ્ય તેમને વારસાગત રીતે પ્રાપ્ત થયેલુ.સ્વામિનારાયણ સંપ્રદાયના એકમાત્ર ચિત્રકાર સંત હતા.તેઓ નાની-મોટી,સાદી કે સોનેરી રંગબેરંગી શ્રીજી મહારાજની મૂર્તિઓ બનાવતા. જે આજે પણ ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયેલી ઘણાં સંતો પાસે જોવા મળે છે.
ચિત્રકારની સાથોસાથ એક અજોડ લહ્યા પણ હતા.સ્વામીએ મુક્તાનંદ સ્વામીના જમણા હાથનું બિરુદ મેળવીને વણથંભી કલમ ચલાવી છે.
ચિત્ર અને લેખન ઉપરાંત સ્વામી સ્થાપત્યકલાના પણ સારા એવા જાણકાર હતા. સંપ્રદાયમાં ઠેર ઠેર બંધાતા શિખરબંધ તેમજ હરિમંદિરોમાં સ્વામીની દેખરેખ નીચે બાંધકામ થતુ.
સ્વામીના જીવનનું સૌથી મોટુ કાર્ય મહાભારત જેવા વિશાળકાય "શ્રી હરિચરિત્રામૃત સાગર"ની રચના છે.ત્રણ વર્ષ અને ત્રણ માસના સમય દરમ્યાન 97,389 દોહા,ચોપાઈઓ,2309 તરંગ અને 28 પૂરની રચના કરી.છતાં ગ્રંથ અધુરો રહી જવા પામ્યો છે.આ ગ્રંથ શ્રીહરિની જીવન ડાયરી તરીકે બંન્ને દેશમાં આદર પામ્યો છે.
આમ,આધારાનંદ સ્વામીનું જીવન શ્રીહરિના અનન્ય ઉપાસક,મુક્તાનંદ સ્વામીના સેવક અને લહિયા,સંપ્રદાયના ચિત્રકાર સંત,હિન્દી સાહિત્ય જગતમાં સૌથી વિશાળ ગ્રંથના લેખક તરીકે પ્રસિદ્ધ થયેલું છે.
વિ.સં.1919માં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે શ્રી ભગવત્ પ્રસાદજી મહારાજને ગાદી આપી ત્યારની સભામાં સ્વામીની ઉપસ્થિત નોંધાઈ છે. સ્વામીએ ક્યારે આ સંત્સંગ પરથી પોતાની ઉપસ્થિતીનું છત્ર લઈ લીધું તેનો કોઈ ઉલ્લેખ મળતો નથી. |