શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય પરિચય
(સહજાનંદસ્વામીનું સંક્ષિપ્ત જીવનવૃત્તાંત)
ભારતની ભૂમિ સંતો,મહર્ષિઓ અને વિભુતિઓથી વિભુષિત છે. આ દેશમાં જ્યારે જ્યારે ધર્મ ઉપર અધર્મે પોતાના પાશવી પંજો પ્રસાર્યો છે, ત્યારે કોઈને કોઈ મહાપુરુષોએ પ્રગટ થઈને ધર્મનો પુનરુદ્ધાર કર્યો છે. ભગવાન શ્રીરામ,શ્રીકૃષ્ણ,બુદ્ધ,મહાવીર સ્વામી, જગદ્ગુરુ શંકરાચાર્ય,વિવેકાનંદ સ્વામી વગેરેએ વૈદિક સંસ્કૃત્તિને આસુરી શક્તિઓના બાહુપાશથી છોડાવી છે.
ભારતની આ ભવ્ય અને દિવ્ય પરંપરામાં વધુ એક અવતારી યુગપુરુષ પધાર્યા.તે હતા સહજાનંદ સ્વામી તેમણે વૈદિક ધર્મનું પુનર્ગઠન કર્યુ.
સહજાનંદ સ્વામીનો જન્મ વિ.સં.1837ના ચૈત્ર સુદી નવમી રોજ અયોધ્યા પાસેના છપૈયા ગામે થયો હતો. તેમના માતા-પિતાનું નામ હતુ હરિપ્રસાદ અને મૂર્તિદેવી. આ સરવરીયા બ્રાહ્મણ દંપતિની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. પરંતુ એક ધાર્મિક અને વિદ્વાન મહાપુરુષ તરીકે સારાયે પરગણામાં તેમની નામના હતી. લોકો તેમને ધર્મદેવ અને તેમના ધર્મપત્નિને ભક્તિદેવી તરીકે ઓળખતા. ધર્મદેવને ત્રણ પુત્રો હતા.મોટા રામપ્રતાપ, નાના ઈચ્છારામ અને વસ્તેરા ઘનશ્યામ. ઘનશ્યામનું મૂળનામ હરિકૃષ્ણ હતુ.પરંતુ લોકો તેમને ઘનશ્યામના હુલામણા નામથી બોલાવતા. આ ઘનશ્યામ એ જ સહજાનંદ સ્વામી.
સ્વામિનારાયણસંપ્રદાયના ઈતિહાસમાં ઘનશ્યામના નામે અનેક પરચાઓને ઉલ્લેખ છે. તેમણે નાનપણમાં જ કાશીના વિદ્વાનોની સભામાં જીત મેળવી. રાજપુરસ્કાર મેળવ્યો હતો.કાળીદત્ત વગેરે અસુરોનો પરાભવ કર્યો હતો.પિતા ધર્મદેવ પાસેથી જ ઘનશ્યામે વેદ-વેદાંગનું સાંગોપાંગ જ્ઞાન મેળવ્યુ હતુ.બાળપણથી જ તીવ્ર વૈરાગ્યનો વેગ હોવા છતા માતાપિતાની સેવા આ પુત્રનું પ્રથમ કર્તવ્ય માનીને તેમણે સાતવર્ષ સુધી માતા-પિતાની સેવા કરી. અને વડીલબંધુની આજ્ઞામાં રહ્યા. માતાપિતાને દિવ્ય ગતિ આપ્યા પછી ઘનશ્યામે ગૃહ ત્યાગ કર્યો.
વનવિચરણ વખતે ઘનશ્યામ નિલકંઠવર્ણીરુપે પ્રસિદ્ધ થયા. નાની ઉંમર અને સુકલકડી શરીર હોવાછતા નિલકંઠવર્ણીએ સારાયે ભારતમાં પરિભ્રમણ કર્યુ. જંગલો અને ગિરિકંદરાઓના ખુણે ખુણા ફેંદી વળ્યા. બદરી, કેદાર, પુલહાશ્રમ, જગન્નાથપુરી,સેતુબંધ, રામેશ્વર, ગંગાસાગર, કન્યાકુમારી, શિવકાંચી, વિષ્ણુંકાંચી, મલયાચલ, નાસિક, ત્રંબક, પઢંરપુર વગેરે ભારતના પ્રમુખ તીર્થસ્થાનોમાં ફર્યો.મુમુક્ષુઓને સદ્ધર્મનો ઉપદેશ આપ્યો અને પિબેક વગેરે ધર્મના નામે અધર્મ ચલાવતા અસુરોનો સંહાર કરાવ્યો.વર્ણીએ સતત સાત વર્ષ સુધી વન વિચરણ કર્યુ અને ભારતની ધાર્મિક અને સામાજિક સ્થિતિનો સાચો ચિતાર મેળવ્યો..
પોતાનું મન ઠરે તેવું ઠેકાણું અને મહાપુરુષનું શરણુ શોધતા શોધતા વર્ણી ગુજરાતના સોરઠ પ્રાંતમાં આવ્યા.ગિરનારની ગરવી ગોદમાં ખોબા જેવડા લોજપુર ગામમાં સદ્ગુરુ રામાનંદસ્વામીનો આશ્રમ અને તેમના શિષ્યો મુક્તાનંદ સ્વામી વગેરે નિર્મળ હૃદયના સાધુઓને જોઈને વર્ણીનું દિલ ઠર્યુ. સદ્ગુરુ રામાનંદ સ્વામીનું શિષ્યત્વ સ્વીકાર્યુ.ભાગવતી દિક્ષા અંગીકાર કરી સહજાનંદ સ્વામી નામ ધારણ કર્યુ..
મુક્તાનંદ સ્વામી,રામદાસ સ્વામી,જાનકીદાસ,રઘુનાથદાસ વગેર 50 જેટલા જૂના શિષ્યો હોવા છતા સદ્ગુરુ રામાનંદ સ્વામીએ વર્ણીને મહાસમર્થ જાણીને પોતાની ગાદીના ઉત્તરાધિકારી બનાવ્યા. જેતપુરમાં ધર્મધુરા સોંપીને સદ્ગુરુ રામાનંદ સ્વામીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી..
ગુરુના સ્વધામ ગમન પછી સહજાનંદ સ્વામીએ પોતાનું અવતારી સ્વરુપ પ્રગટ કર્યુ. 'સ્વામિનારાયણ' મહામંત્ર ઓળખાવ્યો.તેના ભજનથી લાખો લોકોને સમાધિ થવા લાગી.એક ચમત્કારીક મહાપુરુષ તરીકે તેમની ખ્યાતિ ચોમેર ફેલાઈ ગઈ. લોકો તેમને 'સ્વામિનારાયણ ભગવાન' તરીકે ઓળખવા લાગ્યા..
ખરેખર તો સહજાનંદ સ્વામીને નહોતો ચમત્કારોમાં રસ કે નહોતી કીર્તિની ઝંખના. તેમને તો લોકોનું સામાજિક અને આધ્યાત્મિક જીવનધોરણ ઊંચુ લાવવુ હતુ અને સનાતન વૈદિક ધર્મના પરિસ્કૃત શુદ્ધ સ્વરુપનુ પુનઃસ્થાપન કરવું હતુ. આ માટે તેમણે ગઢપુરને કેન્દ્રસ્થાન બનાવ્યુ. દરબાર એભલખાચર અને તેમના પરિવારનો વિશુદ્ધ પ્રેમભાવ જોઈને ત્યાં જીવનપર્યંત રોકાણાં. સારાયે ગુજરાતમાં સતત વિચરણ કરી લોકોનું નૈતિક, સામાજિક, આધ્યાત્મિક અને આર્થિક જીવનધોરણ ઊંચુ લાવવા ભગીરથ પ્રયત્નો કર્યા.દીકરીને દૂધ પીતી કરવાનો રીવાજ,સતીપ્રથા,દહેજપ્રથા વગેરે સામાજિક કુરિવાજોની નાગચૂડમાંથી સમાજને છોડાવ્યો.દારુ,જુગાર,અફીણ વગેરેના અઠંગ બંધાણીઓને સદભાવ અને ધર્મના માધ્યમથી બંધાણો છોડાવી નિર્વ્યસની બનાવ્યા. ચોરી,લૂંટફાટ વગેરેને પોતાનો જન્મજાત વ્યવસાય માનતી કોમોને સદાચાર શીખવ્યો અને તેમને સમાજમાં ગોરવવંતુ સ્થાન અપાવ્યુ.સમાજના કચડાયેલા અને તિરસ્કૃત લોકોનું નૈતિક જીવનધોરણ ઊંચુ લાવી સમાજમાં સમરસતા સ્થાપી.સગરામ વાઘરી,મુંજો સુરુ, જોબન વડતાલો,જેતલપુરની રુપા વેશ્યા વગેરે અને અધઃપતીત લોકોના જીવન પરિવર્તિત કર્યા. અધમ ઉદ્ધારકનું બિરુદ પામ્યા..
ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે ક્રાંતિ લાવવા"એકલા હાથે તાળી ન પડે"એ ન્યાયે પાંચસો પરમહંસો બનાવ્યા. આ સહજાનંદી ફોજ ગુજરાતના ગામડે ગામડે ફરી વળી. વનવગડાને સીમમાં રહેતા એકલ દોકલ કુટુંબ સુધી અર્થાત્ છેવાડાના માનવી સુધી ધર્મના પીયૂષ પાવા તે પહોંચી ગઈ. ધર્મશાસ્ત્રોની દ્રષ્ટાંતરુપ કથાઓ અને નિર્વ્યાજ પ્રેમના માધ્યમથી પતીતોને પાવન કર્યા.માનવજીવનનું મૂલ્ય સમજાવ્યુ. ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાની યાદ તાજી કરાવી. કુરિવાજો અને દુરાચાર છોડાવ્યા. લોકોમાં વર્ષોથી ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા અને નિર્માલ્યતા દૂર કરી. જીવનમૂલ્યો ઓળખાવ્યા. ધર્મના નામે ચાલતા ધતીંગો બંધ કરાવી,ઠગ અને બદમાશ લોકોથી આમ જનતાને છોડાવવાનું સહેલુ નથી. અનેક સ્થાપિત હિતો ઘવાયા. ધર્મના નામે ભોળી પ્રજાને ભરમાવીને લુંટનારા પીંઢારાઓના કોપનો ભોગ સહજાનંદ સ્વામી,તેમનું સંતમંડળ અને અનુયાયીઓ બન્યા.પરંતુ જેમણે સમાજને સાચી દિશા બતાવવી હોય,આદર્શોને આંબવું હોય તેમણે વતાઓછા પ્રમાણમાં કંઈક સહન તો કરવું જ પડે. જે જાનની બાજી લગાવી શકે એ જ દુરાચાર અને પાખંડનો પર્દાફર્શ કરી શકે..
સહજાનંદ સ્વામીએ પોતાના અવતાર કાર્યને માત્ર પોતાના અનુયાયી વર્ગ પુરતુ જ સીમિત ન રાખ્યુ. તેમણે આમ સમાજને ધ્યાનમાં રાખીને વાવ-કુવા ખોદાવવા,સદાવ્રતો ચલાવવા વગેરે ઈષ્ટાપૂર્ત કર્મો ઠેર ઠેર શરુ કરાવ્યા.તેથી અન્ય સંપ્રદાયના લોકો પણ તેમના પ્રત્યે માનની નજરે જોવા લાગ્યા. અને અનેક લોકો સહજાનંદ સ્વામીના આશ્રિત બન્યા..
લોકોનું આધ્યાત્મિક અને પ્રેરણાસ્રોત માટે વિષ્ણુ,શિવ,ગણપતિ,પાર્વતીજી અને સૂર્યનારાયણ એમ પંચાયતન દેવોની પ્રતિષ્ઠા કરી શ્રોત(વૈષ્ણવ), સ્માર્ત(શૈવ) અને શાક્ત સંપ્રદાયમાં પ્રવર્તેલી અંધશ્રદ્ધા દૂર કરી.ધર્મનું સાચુ સત્ય લોકોને સમજાવ્યુ. સગુણ સાકાર સ્વરુપની શુદ્ધ ઉપાસના પદ્ધતિ પ્રવર્તાવી,એકેશ્વરવાદની સ્થાપના કરી.ધર્મસંપ્રદાયો વચ્ચે સમન્વય સાધ્યો.અમદાવાદ,ભૂજ,ધોલેરા, જૂનાગઢ,ગઢપૂર,મૂળી વગેરે સ્થળોએ ભવ્ય મહામંદિરોનું નિર્માણ કરાવ્યુ..
સ્ત્રીઓની ઉન્નતિ અને શિક્ષણ માટે પણ સહજાનંદ સ્વામીએ નોંધપાત્ર કામગીરી કરી.સ્ત્રી પુરુષથોની સભાઓ અલગ કરી.સ્ત્રીઓમાં નેતૃત્વ, સ્વનિર્ભરતા વગેરે ગુણોના વિકાસની યોગ્ય તકો પુરી પાડી. સદગુરુ મુક્તાનંદ સ્વામી,બ્રહ્માનંદ સ્વામી,પ્રેમાનંદ સ્વામી,ભૂમાનંદ સ્વામી વગેર અષ્ટવૃંદ કવિઓને કીર્તનભક્તિના પદોની રચના કરવા પ્રેર્યા.તેનાથી સમાજ ભક્તિરસથી તરબોળ બન્યો. સદગુરુ ગોપાળાનંદ સ્વામી,શતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરેએ બ્રહ્મસૂત્ર,ભગવદગીતા અને ઉપનિષદ્ ઉપર વિદ્વતાસભર ભાષ્યગ્રંથો બનાવી સૈદ્ધાંતિક દ્રષ્ટિએ વૈદિક ધર્મનું સાચુ હાર્દ સમજાવ્યુ.સહજાનંદ સ્વામીએ સ્વયં શિક્ષાપત્રીની રચના કરી આચાર-વિચારના આદર્શો બાંધી આપ્યા.સંપ્રદાયની વિશુદ્ધ પરંપરા જળવાઈ રહે એ માટે અમદાવાદ અને વડતાલ એમ બે જગ્યાએ ગાદી સ્થાનો સ્થાપ્યા.અને તેના પર અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી મહારાજની આચાર્યપદે નિયુક્તિ કરી.સાધુ,બ્રહ્મચારી, પાર્ષદ,સાંખ્યયોગી બહેનો અને અનુયાયી સ્ત્રી-પુરુષોના અલગ વિભાગો પાડ્યા..
ઉદ્ધવાવતાર સદગુરુ રામાનંદ સ્વામીએ સ્થાપેલા ઉદ્ધવ સંપ્રદાયને સહજાનંદ સ્વામીએ વિશાળ ફલક પર લાવીને મૂક્યો.વિ.સં.1886ના જેઠસુદી દશમીના રોજ સહજાનંદ સ્વામીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી. તેમના સ્વધામ ગમન પછી ઉદ્ધવસંપ્રદાય"સ્વામિનારાયણ સંપ્રદાય" તરીકે વિશ્વમાં ખ્યાતિ પામ્યો..
માત્ર 49 વર્ષના જીવનના ટૂંકાગાળામાં માતા,પિતા અને ગુરુની સેવા,તપ ત્યાગમય જીવન,સમાજસેવા,અધ્યાત્મ સાધના,શુદ્ધ ઉપાસના,નૈતિક અને આદર્શ સદાચારમય જીવન ધોરણ, વિશુદ્ધ ભક્તિ પરંપરા,વિશાળ ગગનચૂંબી મહામંદિરોનું નિર્માણ વગેરે અંગે સહજાનંદ સ્વામીએ જે કાંઈ કહ્યું તે કરી બતાવ્યુ. ધાર્મિક,સામાજિક અને રાજકિય ક્ષેત્રે પ્રવર્તતી અરાજકતા વચ્ચે પણ સામાન્યબુદ્ધિથી ન સમજી શકાય તેવા અદભૂત કાર્યો કર્યા. સમાજને સાચા અર્થમાં દિશાસૂચન કરનાર અવતારી પૂર્ણપુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી-સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં શતશઃવંદના.
|