સ્વામીશ્રીનો જન્મ વિ.સં.1841માં ભાદરા ગામમાં થયો હતો.તેમના પિતાશ્રીનું નામ ભોળાનાથ અને માતનું નામ સાકરબાઈ હતુ.બાળપણનું નામ મૂળજી હતું.તેમને નૈસર્ગિક ભક્તિની શક્તિ પ્રાપ્ત થયેલી. સંસારથી ઐદાસીન્ય સ્વતઃ થયેલું.બાળપણથી ભક્તિરસમાં ડૂબી ગયેલા છતા સંસાર વ્યવહાર સારી રીતે કરતા.
એકવાર શેરડીના વાઢમાં કામ કરી રહેલા મૂળજીભક્તને શ્રીજી મહારાજે દર્શન દઈને મર્મભરી વાણીમાં પૂછ્યું,"આપણે શું કરવા આવ્યા છીએ ને આ શું કરો છો ? બ્રહ્મતેજ ક્યાં સુકાઈ ગયુ ?" આ પ્રશ્નના ઉત્તરમાં સ્વામીએ તત્કાળ ઘર સંસાર છોડીને સંન્યાસ તરફ પ્રયાણ કર્યુ.સવંત 1886માં દીક્ષા લીધી અને મૂળજીમાંથી "ગુણાતીતાનંદ સ્વામી"બન્યા.સાધના અને જાગૃતતાને કારણે તેમણે એવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરેલી કે તેઓને જાગૃત,સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં શ્રીજી મહારાજની મૂર્તિના અખંડ દર્શન થતા.પળવાર પણ વિસ્મરણ થાય તો તાળવું ફાટી જાય.
સંપ્રદાયમાં આવેલા ધુરંધર સંતોમાંથી કોઈએ પોતાના જ્ઞાનથી,કોઈએ કવિત્વ શક્તિથી,કોઈએ સંગીતથી,કોઈએ વિદ્વતાથી સંપ્રદાયની સેવા કરી ઈતિહાસના પાને આદર સહિત સ્થાન મેળવ્યુ હતુ.તેમાં અખાના કાવ્યમય ચાબખા કરતા પણ વધુ વેઘક અને સચોટ વાતોના પડકારથી સાંપ્રદાયિક ક્ષિતિજે પોતાની આગવી છાપ ઉપસાવનાર સંત ગુણાતીતાનંદ સ્વામી છે.
શ્રીજી મહારાજ પ્રત્યેની નિષ્ઠા જેની વાતોમાં આજે પણ કર્ણપટલને પવિત્ર કરવા ગુંજી રહી છે એવા આ સંતની વાતો કરવાની કળા નિસર્ગની આગવી દેન હતી.સાંભળનારના હૃદયે સોંસરવી ઉતરે નહિ તો તે સ્વામીની વાત ન હોય.ગરીબથી માંડીને વિદ્વાનો અને રાજા-મહારાજાઓને પણ એક સરખી જ વાતથી ભક્તિનું ભાતુ પીરસતા માત્ર આ સંપ્રદાયમાં જ નહિ,પણ જુનાગઢના મુસ્લિમ બિરદારોમાં પણ આ સંતની સાધુતાનો સારો એવો પ્રભાવ હતો.
લગભગ 41વર્ષ સુધી જુનાગઢ મંદિરમાં મહંત પદે રહીને સર્વોપરી નિષ્ઠાની ખુમારી ભરી વાતો કરનાર આ સંતવર્યએ સે.1923માં ગોંડલમાં હરિ ઈચ્છાએ દેહનો ત્યાગ કરીને શ્રીજીનું સાનિધ્ય મેળવ્યુ. |