શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાની મનુષ્યલીલા સંકેલતા પહેલા ભુજ-કચ્છમાં સદગુરુ વૈષ્ણવાનંદસ્વામી પાસે શિખરબંધ મહામંદિરનું નિર્માણ કરાવી તેમાં ભરતખંડના અધિપતિ એવા શ્રી નરનારાયણ દેવની પ્રાણપ્રતિષ્ઠા કરી.ભુજનું આ મંદિર 180 વર્ષ જૂનું છે. છતા તેની એક કાંકરી પણ ખરી નહોતી.પરંતુ કાળની ગતિ ન્યારી છે.ભૂંકંપના કારણે મંદિરને નુકશાન થયુ છે.પરંતુ અંદર બિરાજતા દેવને કંઈ થયુ નહોતું.છતા પરિસ્થિતિવશાત્ તે મૂર્તિઓને મંદિરના વાડી વિસ્તારમાં ગામચલાઉ આવાસો ઉભા કરીને તેમાં પધરાવી છે.નૂતન ભવ્ય શિખરબંધ મંદિરનું કામ ધમધોકાર ચાલે છે.તે પૂર્ણ થયે તેમાં નરનારાયણ,રાધાકૃષ્ણ વગેરે દેવો બિરાજશે.
મંદિર દ્વારા ચાલતી વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ
સત્સંગ સંપોષણઃ-
ભુજનું મંદિર અને તેમાં રહેલા સંતોએ કચ્છી-સત્સંગ સમાજનું ખૂબ પાલન,પોષણ અને સંવર્ધન કર્યુ છે. દેશ-વિદેશમાં રહેતા એકલદોકલ હરિભક્તની ખબરઅંતર પણ આ સંતો પૂછતા રહે છે.અને હરિભક્તો સાથે જીવંત સંબંધ અને સંપર્ક રાખે છે.
માનવસેવાઃ-
ભૂકંપ વખતે બેઘર બનેલા લોકો માટે નાતજાતનો ભેદભાવ રાખ્યા વિના મંદિર તરફથી ભુજ શહેરમાં જ 200 જેટલા કામચલાઉ આવાસો ઊભા કરવામાં આવ્યા હતા.આજુબાજુના ગામોમાં પણ મંદિર તરફથી ટેન્ટો બંધાવી આપવામાં આવ્યા હતા.જખ્મી લોકોને વૈદકિય સારવાર આપવા માટે પણ ડૉક્ટરોની ટીમો સાથે ગામડે ગામડે સંતો પહોંચી ગયા હતા.સતત સાડાત્રણ મહિના સુધી દરરોજ મંદિર તરફથી આશરે ત્રણ હજારથી પણ વધુ અન્નાર્થીઓને બે ટાઈમ તૈયાર ભોજન આપવામાં આવ્યુ હતુ. જરુરીયાતમંદ લોકોને મકાન રીપેરીંગ માટે મંદિર તરફથી 1,16,280 જેટલી સિમેન્ટની થેલીઓ,હજારોની સંખ્યામાં ટીનના પતરા અને લાખોની સંખ્યામાં તૈયાર બ્લોકોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
ટૂંકમાં ભૂકંપ વખતે દેશ વિદેશના હરિભક્તોની સહાયતાથી આશરે દશ કરોડથી પણ વધુ રકમ આ સંસ્થઆએ માનવ ઉત્થાન અને સમાજસેવાના કાર્યોમાં વાપરી.
વૈદકિય સેવાઓઃ-
મંદિર તરફથી ઘણાં વર્ષોથી આયુર્વેદિક ધર્મદાનું દવાખાનું ચાલે છે.કચ્છના જુદા જુદા ભાગોમાં આયુર્વેદિક,સર્વરોગ નિદાન ઉપચાર કેમ્પ, યોગશિબિરો, બ્લડ કેમ્પો વગેરે વિનામૂલ્યે યોજવામાં આવે છે. અનેક દર્દીઓ તેનો લાભ લે છે.
દેવ સેવાઃ-
મંદિરમાં વિધિસર દરરોજ દેવ સેવા,સત્સંગ કથાવાર્તા,યાત્રિકોને જમાડવા,ઉતારા વગેરે પ્રવૃત્તિઓ અવિરત ચાલ્યા કરે છે.
શૈક્ષણિક પ્રવૃત્તિઃ-
ઉગતી પેઢીમાં શિક્ષણ સાથે સંસ્કાર વારસો જળવાઈ રહે તે માટે સંસ્થા મામુલી ચાર્જમાં સન્ 1994થી છાત્રાલય અને સન્ 1963થી શિક્ષણ સાથે સંસ્થા ચલાવે છે.છેલ્લા થોડા વર્ષોથી મંદિરે સાક્ષરતા અભિયાન શરુ કર્યુ છે. તેના અનુસંધાનમાં ભુજ મંદિર તરફથી ભુજ, માંડવી, ગાંધીધામ, રામપરવેકરા, રાપર,માનકુવા,નારણપુર વગેરે સ્થળોએ વિશાળ પાયા પર શાળાઓ અને છાત્રાલય શરુ થઈ ગયા છે.
ગૌ સેવાઃ-
ઘણાં વર્ષોથી મંદિર ગૌસેવાની પ્રવૃત્તિ કરે છે.હાલ ગૌશાળામાં 350થી વધુ ગાયોનું લાલન પાલન થાય છે.દુષ્કાળ વગેરેના સમયમાં મંદિર તરફથી કેટલાક કેમ્પો પણ ખોલવામાં આવે છે.
ટૂંકમાં શ્રી સ્વામિનારાયણ મંદિર,ભૂજ-કચ્છ તેના ભવ્ય ભૂતકાળ,રમણીય વર્તમાન અને ઉજ્જળ ભવિષ્ય સાથે વિવિધ સેવાકિય ક્ષેત્રોમાં સત્સંગ સમાજમાં હંમેશા અગ્રેસર રહ્યુ છે.
|