એભલખાચરનો પરિવાર જીવુબા,લાડુબા,નાનુબા,પાંચુબા તથા દાદાખાચરની શ્રદ્ધા,ભક્તિ,સેવા અને સમર્પણના સ્પંદનો આજે પણ જ્યાં રજે રજમાં ગુંજે છે.જ્યાં વચનામૃતનો બ્રહ્મનાદ સંભળાય છે.જ્યાં પરમહંસોએ પોતાના પ્રેમના પટોળાને ત્યાગની ભાત વડે શોભાવ્યા છે.હરિભક્તોના સમર્પણની સુવાસ પ્રસરાવતી ગઢપુર ધરાતલની પવિત્ર માટી આજે પણ સૌરાષ્ટ્રમાં આકર્ષણનું કેન્દ્ર છે.
એ ભક્તોએ હરિવરને પ્રેમની હીરદોરીથી બાંધ્યાને શ્રીજી મહારાજ પોતાનું ઘર માનીને ગઢપુરમાં રહ્યા.તેથી મહારાજ વારંવાર કહેતા કે "ગઢડુ મારુંને હું ગઢડાનો કદી નથી મટવાનો" આવા ભક્તરાજ દાદાખાચર,જીવુબા,લાડુબા આદિ ભક્તોએ શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે, હે મહારાજ ! ભક્તોને તમારા દર્શનનું સુખ આવે તેથી અહીં નયનરમ્ય મંદિર બંધાવો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે અહીં ગઢપુરમાં તો અમે જાતે જ મંદિર બંધાવીશું અને સર્વે દેશના હરિભક્તોને સુખ આપવા તેમના મનોરથો પુરા કરવા શ્રી ગોપીનાથજી દેવને અમારે હસ્તે સ્થાપિત કરીને તેમાં અખંડ રહી હરિભક્તોને દર્શન આપીશુ.
સવંત 1885ના જેઠ મહિનામાં મંદિરનું ખાત મૂહુર્ત કર્યુ અને વિરક્તાનંદ સ્વામીની દેખરેખ હેઠળ મંદિરનું કામકાજ શરુ કર્યુ. સંતો ભક્તો જાતે પાયા ખોદતા પથ્થર મૂકી મંદિરના પાયા પુરતા હતા.શ્રીજી મહારાજે કોલ આપતા કહ્યુ કે જે કોઈ ગોપીનાથજી મહારાજનાં મંદિરમાં પથ્થર પુરશે એને અમે અક્ષરધામના અધિકારી બનાવીશું.મુસ્લિમ બિરાદરોએ પણ મંદિરના નિર્માણ કાર્યમાં મદદ કરી.મંદિરનું બાંધકામ પૂર્ણ થયુ.
શ્રીજી મહારાજે સવંત 1885ના આસો સુદ બારશના રોજ સવારે નવ વાગ્યે વેદોક્ત વિધિથી પોતાના અંગો અંગનું માપ લઈને બનાવેલ ગોપીનાથજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરી તથા રાધિકાજીને વચલા ખંડમાં પધરાવ્યા.આથમણા ખંડમાં ધર્મભક્તિ અને વાસુદેવને પધરાવ્યા. ઉગમણા ખંડમાં શ્રી સૂર્યનારાયણ તથા શ્રીકૃષ્ણ બળદેવ અને રેતવીજીને પધરાવ્યા.આરતી ઉતારીને બ્રહ્મ ભોજન કરાવ્યુ.સંત હરિભક્તોને જમાડ્યા. ગામની ચોરાશી કરી બ્રાહ્મણોને હજારો રુપિયાના દાન આપ્યા,વિપ્રોને ભાવતા ભોજન કરાવ્યાને વાજીંત્રો વગાડી ભારે ઉત્સવ કરાવ્યો અને સર્વત્ર જયજયકાર થયો.ગઢપુર વિશે સુંદર લખાયુ છે.
"ઘેલા સમ તીરથ નહિ,ગઢપુર સમ નહિ ધામ,
ગોપીનાથ સમ દેવ નહિ,શ્રી હરિ સમ નહિ નામ"
|