જીવનમાં બધું જ મળે છે. તો પરમાત્મા કેમ ન મળે ? એમના બાળ માનસમાં ઉઠેલા એ પ્રશ્નના ઉત્તરને મેળવવા માટે તેમણે તીર્થયાત્રા કરવાના બહારે સંસારને અલવિદા કરી.પરબ્રહ્મની શોધમાં ફરતા ફરતા અમદાવાદ પાસેના કણભા ગામે પહોંચ્યા.વાયુની જેમ ચોમેર ફેલાતી સહજાનંદજીની દિગંત વ્યાપી કીર્તિ તેમના કાનને પવિત્ર કરી ચૂકી હતી.પણ કણભામાં જ્યારે તેમને શ્રીજી મહારાજના દર્શન થયા ત્યારે મનવાણી સ્તબ્ધ થઈ ગયા.નેત્ર અપલક રહી ગયા.અને મૂર્તિ અંતરમાં ઉતરી ગઈ.તીર્થયાત્રાને પૂર્ણ કરી જેના પગલે તીર્થ સર્જાય છે એવા શ્રી હરિની પાછળ પાછળ ફરવા લાગ્યા.વેલાલમાં શ્રીજી મહારાજે તેમની પ્રાર્થના અને ઉત્કંઠા જોઈને દીક્ષા આપી અને યોગાનંદ સ્વામી નામ આપ્યુ.
ભગવી ચુંદડીના પ્રતાપે સ્વામીની જીભ ઉપર સ્વયં સરસ્વતી બિરાજ્યા.તેઓ સ્વયં સ્તુતિ પ્રાર્થાનો રચીને પ્રભુ આગળ ગાવા લાગ્યા.તેમનામાં કવિના અપેક્ષિત લક્ષણો જોઈને શ્રીજી મહારાજે તેમને સંસ્કૃતનો વિશેષ અભ્યાસ કરવા માટે ધોળકા મોકલ્યા.અભ્યાસના ફળસ્વરુપે તેમે સંસ્કૃત રચવાના શ્રી ગણેશ કર્યા.સૌ પ્રથમ સ્વામીએ વનવિચરણની તપોમય મૂર્તિનું વર્ણન કરતુ સંસ્કૃત સ્તોત્ર રચ્યુ.જે સાંભળીને મહારાજ ઘણાં રાજી થયેલા.એકવાર ગઢડામાં મનોહર રુચિકર વસ્ત્રોથી ઓપતા શ્રીહરિને જોઈને સ્વામીએ "જલધર સુંદર મદનમનોહર...."સ્તોત્ર બનાવીને શ્રીહરિને સંભળાવ્યુ.એ સાંભળીને મહારાજ એટલા બધા રાજી થયા કે પોતાનું ઉપવસ્ત્ર સ્વામીને ઓઢાડી દીધું.
સ્વામીએ સંસ્કૃતમાં બે ગ્રંથોની રચના કરી છે.'બુદ્ધ રંજની',અને 'પ્રશ્નોતર સાગર' જેમાં પ્રથમ ગ્રંથમાં સ્વામીએ શ્રીહરિના "શ્રીજી મહારાજ" નામની વિસ્તૃત વ્યાખ્યા કરીને 34 પ્રકારે અર્થ કર્યા છે.બીજા ગ્રંથમાં 223 જેટલા પ્રશ્નોના ઉત્તરો છે.
વૈદુષ્યની સાથે સ્વામી પાસે અજોડ ચુંબકીય વાગ્શક્તિ હતી.પરિણામે ખાચર,ખુમાણ,વાળા વગરે અને કાઠી દરબારો સ્વામીના હસ્તે વર્તમાન ધરાવીને શુદ્ધ સત્સંગી થયેલા.પરિણામે સ્વામી કાઠીઓના ગુરુ તરીકે પણ પ્રસિદ્ધિ પામેલા.
આમ,અનેક લોકોના પથદર્શક બનીને યોગાનંદ સ્વામીએ 1902ને જેઠવદ ચોથના દિવસે ધંધુકા મુકામે યોગાસનમાં બેસી સ્વેચ્છાએ શરીરનો ત્યાગ કર્યો.
સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંતોમાં આજે પણ જેમની ગણના થાય છે તેવા સંતના ચરણોમાં વંદના.
|