રૈવતાચળની પવિત્ર તળેટીમા આવેલુ જુનાગઢ પ્રાચીનકાળથી જ પોતાની પવિત્રતા માટે જાણીતુ છે. અનેક સંતો,મહાત્માઓ અને પરમાત્માઓની પ્રસાદીભુત રૈવતાચળમાં પ્રાચીન સમયથી જ અનેક યાત્રાધામો સ્થપાયેલા છે.
પંચાળાના ઝીણાભાઈ શ્રીજી મહારાજના પરમ એકાંતિક,અનન્ય નિષ્ઠાવાળા અને અત્યંત હેતવાળા ભક્તરાજ હતા.ઝીણાભાઈનો જુનાગઢના અમુકભાગ હોવાથી જુનાગઢના નવાબને પણ એમના પ્રત્યે પ્રીતિ હતી.કમળશીભક્તની માંદગીમાં સેવા કરવા બદલ ઝીણાભાઈ પર પ્રસન્ન થઈને શ્રીજી મહારાજે વરદાન માંગવા કહ્યુ,ત્યારે ઝીણાભાઈ બોલ્યા કે આપ જુનાગઢમાં મંદિર બંધાવોને તમારા સ્વહસ્તે મૂર્તિ પધરાવો.એ સંકલ્પને સત્ય કરવા શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢના મંદિર બાધવા માટે મોકલ્યા.
ઝીણાભાઈએ જુનાગઢ મંદિર બાધવા માટે જમીન કૃષ્ણાર્પણ કરી.મંદિરના પાયા ખોદાયાને વિઘ્નસંતોષીઓએ વિરોધ કર્યો. ઉપદ્રવો શરુ કર્યા.છતાઅનેક વિધઉપાધિને વિરોધના વંટોળ વચ્ચે બ્રહ્માનંદ સ્વામીએ મંદિરનું કાર્ય શરુ રાખ્યુ. પોતાની કાવ્યપ્રતિભાથી નવાબને પ્રભાવિત કરી શ્રીજી મહારાજનો નિશ્ચય કરાવ્યો.સોરઠના સૌ હરિભક્તોએ તન,મન,ધન સર્વસ્વ સમર્પણ કરીને જુનાગઢમાં ભવ્ય ગગનચુંબી પાંચ શિખરવાળુ શિલ્પ અને સ્થાપત્ય કળાના ઉત્તમ નમુનારુપ મંદિર તૈયાર કર્યુ.
ભગવાન સ્વામિનારાયણે વેદોક્ત વિધિથી સવંત 1884ના વૈશાખ સુદ બીજના દિવસે રાધારમણ દેવની સ્થાપના કરી.મધ્યમંદિરમાં રણછોડરાયની તથા ત્રિકમરાયની મૂર્તિઓ છે.પૂર્વ મંદિરમાં રાધારમણદેવ, હરિકૃષ્ણમહારાજની મૂર્તિઓ બિરાજમાન છે.અને પશ્ચિમ બાજુના મંદિરમાં સિદ્ધેશ્વર મહાદેવ,પાર્વતીજી, ગણપતિ અને નંદીશ્વર છે.
જુનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવએ હાજરાહજુર દેવ છે.તેમની અનેક માનતાઓ આવે છે.સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સંપ્રદાયનું મહાપૂજાનું પ્રવર્તન પણ અહીં કર્યુ હતુ.
ભગવાનશ્રી સ્વામિનારાયણે અનેકવાર આ ભૂમિને પાવન કરી છે.તેથી પ્રસાદીના ઘણાં સ્થળો અહીં વિદ્યમાન છે. નરસિંહ મહેતાનો ચોર, ગીરનાર ઉપર જતા દામોદર કૂંડ,નારાયણધરો,ગીરનાર ઉપર ગૌમુખી ગંગા તથા દતાત્રેય ભગવાનના પગલા વગેરે સ્થાનોએ જઈને શ્રીહરિએ પ્રસાદીભુત બનાવ્યા છે.
સ્વામિનારાયણ ભગવાને જુનાગઢ મંદિરનાં પ્રથમ મહંત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને બનાવ્યા હતા. આજે પણ જુનાગઢનું મંદિર ભૂતકાળના હરિભક્તોના સમર્પણની ઝાલર બજાવે છે.સદગુરુ બ્રહ્માનંદ સ્વામી,સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી આદિ સંતોની સુવાસ ફેલાવે છે.નવાબની નિષ્ઠાની નેકી પોકારે છે અને નિત્ય દર્શન કરવા આવનારા હરિભક્તોને ભક્તિરસમાં સદાય મગ્ન કરી પ્રસન્ન રાખે છે.
|