'વિદ્યાદાનથી કોઈ મોટુ દાન નથી'એ ઉક્તિને સાર્થક કરવા સને 1991માં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર જેવા નાના ગામમાં એક શિક્ષણ તિર્થનો પાયો નંખાયો.આજે એક જ દાયકાના અલ્પ સમયમાં એ પાયા ઉપર એક અદ્ભૂત શિક્ષણ સંકુલ શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ'શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,દામનગર'ના નામે દાર્શનિક બનીને ઉભુ છે.જંગલમાં મંગલ જેવા ભવ્ય શિક્ષણ સંકુલનો ઈતિહાસ પણ ઉદાહરણરુપ છે.
આ શિક્ષણ તીર્થના અસ્તિત્વનું પ્રથમ શ્રેય અહીંના ખેડૂત બંધુઓ શ્રી લાભુભાઈ રણછોડભાઈ નાલોરા અને મોહનભાઈ રણછોડભાઈ નારોલાને ફાળે જાય છે.આ બંધુ બેલડીએ નિઃસ્વાર્થભાવે આ શુભ કાર્યની શરુઆત કરવા પોતાની આજીવિકા જેના ઉપર નભી રહી છે તેવી મહામુલી કિંમતી સોનાના ટુકડા જેવી જમીનમાંથી બે એકર જેટલી જમીન સત્સંગ,શિક્ષણ અને સંસ્કારની વૃદ્ધિ માટે દાનમાં આપી.જમીન મળતા જ પ.પૂ.સદગુરુ વૈકુંઠપ્રિયદાસજી અને પૂ.અક્ષરપુરુષદાસજી તથા સ્વા.રામજીવનદાસજીના બે શિક્ષિત અને દિક્ષિત યુવાન શિષ્યો પૂ.કોઠારી સ્વામી ચંદ્રપ્રસાદદાસજી અને પૂ.વિષ્ણુચરણદાસજીએ રાતદિવસ મહામહેનત કરીને ટાંચા સાધનો અને અનેક વિટંબણાઓ હોવા છતા શિક્ષણનું આ ભવ્ય સંકુલ ઉભુ કર્યુ.આજે સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે તેની નોંધ લેવાય રહી છે.
સંસ્થા દ્વારા જસદણ મુકામે પણ પ્રાથમિક તથા માધ્યમિક શાળા ચાલે છે.
'સંસ્થા પાસે પાંચ એકરના વિશાળ સંકુલમાં પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા,અદ્યતન છાત્રાલય,ડાઈનીંગ હોલ, ભોજનશાળા,સુશોભિત ગાર્ડન,રમણીય રમતગમતનું મેદાન,ગૌશાળા, કોમ્પ્યુટર સેન્ટર,ધાર્મિક સ્ટોર,અતિથિ ગૃહ વગેરે છે.આ સંસ્થાની શોભામાં યશકલગીરુપ તેનો વિશાળ પ્રાર્થના ખંડ છે.આ સંકુલમાં કોલેજ વિભાગની વિશાળ અદ્યતન ઈમારતનું કામ પણ પૂર્ણતાના આરે પહોંચ્યુ છે.
શિઙણ ઉપરાંત આ સંસ્થા કુદરતી આપત્તિવેળાએ સમાજની સેવામાં પણ દોડી જાય છે.ભુકંપ વખતે માધાપરમાં પૂ.સંતોની સીધી દેખરેખ હેઠળ રાહત છાવણી ખોલવામાં આવી હતી.આ સંસ્થા ફક્ત પોતાના ટ્રસ્ટની કામગીરી કરીને બેસી નથી રહી.સંસ્થાના દાતા અને આપ્તજન સમા હાલ અમેરીકા સ્થિત શ્રી માધવ સવાણીના માદરે વતન મોટાભમોદરા(તા.સાવરકુંડલા)ગામે માધવ જનકલ્યાણ ટ્રસ્ટના નેજા હેઠળ અદ્યતન બાલમંદિર અને 11 ઓરડાની અદ્યતન પ્રાથમિક શાળાનું નિર્માણ પણ કરેલ છે. આ જ રીતે શ્રી મધુભાઈના ઉમદાદાન દ્વારા હિરાણા(તા.લાઠી)ગામમાં પણ બાલમંદિર અને પ્રાથમિક શાળાનું મકાન બનાવી શાળાનું સુકાન સંભાળે છે.સન્ 2001ની સાલમાં ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયેલ દામનગરની પ્રા.શાળાનં 2નું પૂ.સંતોની પ્રેરણાંથી શ્રી દામનગર સેવાસહકારી મંડળી દ્વારા 20 ઓરડાની પ્રાથમિક શાળાનું બાંધકામ હાથ ધરાતા સવાણી પ્રાથમિક શાળા નિર્માણ પામી.
આ સંસ્થાના પૂ.સંતો પૂ.ચંદ્રપ્રસાદ સ્વામી,પૂ.વિશ્વજીવનસ્વામી,પૂ.વિષ્ણુચરણ સ્વામી,પૂ.વિવેકસાગર સ્વામી વગેરે કેળવણીની સાથે સાથે સમાજની જરુરિયાતને ધ્યાનમાં રાખીને જળસંચય માટે ચેકડેમ પ્રવૃત્તિ,સર્વરોગ નિદાન કેમ્પ,દંતયજ્ઞો,નેત્રનિદાન અને સારવાર કેમ્પ,સમુહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ,અંધશ્રદ્ધા નિવારણ શિબિર,કારકિર્દી માર્ગદર્શન સેમીનાર,સાંસ્કૃતિક કાર્યક્રમો,જૂડો કરાટે તાલીમવર્ગ,વિવિધ રમત ગમત સ્પર્ધાઓ,વૃક્ષારોપણ,વ્યસનમુક્તિ અભિયાન,કાયમી એમ્બ્યુલન્સ સેવા,દુષ્કાળમાં રાહત કાર્યો,મોબાઈલ જલસેવા,પશુધન માટે ઘાસસેવા,ઉનાળામાં છાશવિતરણ કેન્દ્ર,મજુર વર્ગને કપડા,અન્ન વગેરેનું વિતરણ વગેરે કાર્યોકરી રહ્યા છે.
સંસ્થાના પ્રેરક બળ સમા દાતાઓ સર્વશ્રી ભીમજીભાઈ ડી.પટેલ(સુરત),શ્રી ધીરુભાઈ અજમેરા અને મહેન્દ્રભાઈ પરીખ(મુંબઈ)શ્રી ગોવિંદભાઈ ધોળકીયા અને શ્રી સવજીભાઈ ધોળકીયા(સુરત),શ્રી માધવભાઈ સવાણી પરિવાર(અમેરિકા),શ્રી સંજયભાઈ આચાર્ય તથા શ્રીરમેશભાઈ ભંડેરી(લંડન), શ્રી હરિશભાઈ પટેલ(લેસ્ટર)તથા બોલ્ટન કચ્છ લેવા પટેલ સમાજના ભાઈ બહેનો,શ્રી જગદીશભાઈ પટેલ, દુર્લભજીભાઈ ઉકાણી તથા યુ.કે અને યુ.એસ.એ.માં વસતા નાનામોટા સેવાભાઈ સજ્જનોના સાથ સહકારથી સંસ્થા દિનપ્રતિદિન આગેકૂચ કરતી જાય છે.
Visit us on : www.gurukuldamnagar.com
|