ગઢપુરથી 20 કિ.મી.દુર આવેલા ઢસા જંક્શનમાં શ્રીજી મહારાજ અને નંદસંતોની ચરણરજથી પવિત્ર બનેલ જગ્યા ઉપર પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મવિહારીદાસજી(વેદાંન્તાચાર્ય,વ્યાકરણતીર્થ,સાહિત્યરત્ન)એ 20 વર્ષ પહેલા ફક્ત મંદિર બંધાવેલ.પૂ.શાસ્ત્રીજી ગઢડામાં સંતોને સંસ્કૃતનો અભ્યાસ કરાવતા તેમજ 'સ્વામિનારાયણ ધર્મસિદ્ધાંત'માસિકના તંત્રી તરીકે સેવા આપતા હતા.તે દરમ્યાન આ વિસ્તારના લોકોની માંગણી અને લાગણીને વશ થઈને સમયાંતરે ગુરુકુળની શુભ શરુઆત સન્ 1991 ની સાલમાં શ્રી સહજાનંદ શિક્ષણ સેવા કેન્દ્ર ટ્રસ્ટના માધ્યમથી કરી.
પ્રથમ શ્રી હરિકૃષ્ણ બાલમંદિરની સ્થાપના થઈ.જેમાં 100 ઉપરાંત નાના ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યો. સંસ્થાએ શરુઆતથી જ વાહન વ્યવસ્થા રાખેલ.કુદરતી વાતાવરણ સાથે અદ્યતન સાધનોની સગવડતાની ભરપૂર એવા બાલમંદિરમાં પ્રતિવર્ષ બાળકોની સંખ્યા વધવા લાગી અને સંસ્થાની કાર્યપદ્ધતિથી વિદ્યાર્થીઓના વાલીઓને અતિસંતોષ થવા લાગ્યો.જેથી પૂજ્ય શાસ્ત્રીજીએ પ્રાથમિક શાળાની શરૂઆત કરી.આ વિસ્તારમાં ધીરે ધીરે ગુરુકુળના બાળકોના સંસ્કાર સાથે શિક્ષમ સવિશેષ સંસ્થાની ખ્યાતિ થવા લાગી.ત્યારબાદ હાઈસ્કૂલ,છાત્રાલય,કોમ્પ્યુટર ક્લાસ,સંગીત ક્લાસ શરૂ કરવામાં આવ્યા.આર્થિક ગરીબ કુટુંબોને પોસાય તે રીતનું સામાન્ય લવાજમ રાખીને ઉદારતા સાથે આ ગુરુકુળમાં શાસ્ત્રીજીએ વિવિધ સંકુલો શરૂ કર્યા. આજે 600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
ધાર્મિકતા સાથે રહેવાનું જમવાનું અને અભ્યાસ કરવાનું જે દિવ્ય વાતાવરણ તેનો અનુભવ કરનાર વિદ્યાર્થીઓ અત્રેથી જવું પણ ઘણીવખત ગમતુ નથી.એવા માહોલ સાથે આ સંસ્થાનો ત્વરિત ગતિથી વિકાસ થઈ રહ્યો છે.આ ગુરુકુળનું એસ.એસ.સી.નું પરિણામ પ્રતિવર્ષ 95 થી 100 ટકા આવે છે. વ્યવસ્થાપક તરીકે નવયુવાન શાસ્ત્રી અક્ષરપ્રકાશદાસજી સ્વામી અતિકાળજી રાખીને સારા સુજ્ઞ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે.
ગુરુકુળના વિવિધ સંકુલોના નૂતન સર્જનમાં કલ્યાણ નિવાસી પ.ભ.શ્રી હરિલાલભાઈ પ્રભુદાસભાઈ તન્ના, સુરતના સુપ્રસિદ્ધ દાનવીર પ.ભ.શ્રી ધનજીભાઈ નારણભાઈ ધોળકીયા,પ.ભ.શ્રી ઝવેરી પ્રફુલ્લભાઈ-મુંબઈ,વતનપ્રેમી કલકત્તાવાળા પ.ભ.શ્રી રવિન્દ્રભાઈ જેઠાલાલ મીયાણી,શ્રેષ્ઠ દાનવીર શેઠશ્રી નટુભાઈ સંધરાજકા-મુંબઈ,તેમજ અત્રેના ઉદ્યોગપતિ શેઠશ્રી પ.ભ.શ્રી શ્યામભાઈ આર.કટારીયા વગેરે સમાજસેવાભાવી મહાનુભાવ દાતાશ્રીઓનો આર્થિક સહયોગ સદૈવ મળતો રહ્યો છે.
સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમા સદ્વિદ્યાની પ્રવૃત્તિ માટેનો જે આદેશ આપ્યો છે.તે મુજબ આ સંસ્થા સમાજના બાળકોના ભાવિ ઉત્કર્ષ માટે કામ કરી રહી છે.ખરેખર સંતો જ સમાજના સાચા હિતેચ્છુ છે.
આ મોંઘવારીની પરિસ્થિતિમાં પણ આ ગુરુકુળમાં બ્રાહ્મણના બાળકોની સ્કૂલ ફી લેવામાં આવતી નથી. વાહનખર્ચ તથા સ્કૂલ ફીનું ધોરણ પણ સર્વને સાનુકુળ થાય તે પ્રમાણે રાખવામાં આવ્યુ છે.ઘણી બધી વિશિષ્ટતાઓથી ઢસા ગુરુકુળની ખ્યાતિ અને સુવાસ પ્રસરતી જાય છે."કાર્યાનુમેયા ફલસિદ્ધિ:"એ ન્યાયે શાસ્ત્રીજી કાર્ય કરી રહ્યા છે.
આ સંસ્થા દ્વારા ધાર્મિક,સામાજિક,શૈક્ષણિક તેમજ પરમાર્થની અનેક સદ્પ્રવૃત્તિઓ થઈ રહી છે. વ્યસન મુક્તિ,દંતયજ્ઞ,નેત્રયજ્ઞ, સર્વરોગ નિદાનકેમ્પ, સમુહયજ્ઞોપવિત તેમજ અન્ય કાર્યોમાં આ સંસ્થા અગ્રસ્થાને હોય જ છે.
ગઈ સાલ વડતાલપીઠાધિપતિ પૂજ્યપાદ મહારાજશ્રીના વરદહસ્તે હાઈસ્કૂલ તથા પ્રાર્થનામંદિરના ઉદઘાટનનો ભવ્યાતિભવ્ય પ્રસંગ પણ ઉજવવામાં આવેલ.
સંસ્થાના ટ્રસ્ટીમંડળમાં શાસ્ત્રી સ્વામી ધર્મવિહારીદાસજી(મે.ટ્રસ્ટી),શાસ્ત્રી અક્ષરપ્રકાશદાસજી,શ્રી પ્રફુલ્લભાઈ શંકરલાલ ઝવેરી શ્રી નાથાભાઈ મોહનભાઈ સાવલીયા,શ્રી નાગજીભાઈ લખમણભાઈ કળથીયા,શ્રી ભગવાનદાસ એમ.પટેલ,શ્રી ધનજીભાઈ નારણભાઈ ધોળકીયા,શ્રી હરિલાલભાઈ પ્રભુદાસભાઈ તન્ના,શ્રી રવિન્દ્રભાઈ જેઠાલાલ મીયાણી,શ્રી હિંમતભાઈ કલ્યાણભાઈ બલર તથા શ્રી શ્યામભાઈ આર.કટારીયા વગેરે ઉમદા સેવા પુરી પાડી રહ્યા છે.
|