એકવાર પૂ.શાસ્ત્રી સ્વામી સંતમંડળ સાથે તીર્થાટન કરતા કરતા હરિદ્વાર પહોંચ્યા ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર વિચારને અનુરુપ ઉતારો મેળવવામાં ખુબ જ મુશ્કેલી પડી.તેના ઉપરથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો,હરિભક્તોને આ તિર્થસ્થાનોમાં જતા કેટલી મુશ્કેલીઓ પડતી હશે તેનો ખ્યાલ આ વિચક્ષણ સંત મંડળને તુરંત આવી ગયો.અને એ જ વેળાએ હરિદ્વારમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું એક સ્થાન બને એવો પતીત પાવની ગંગાજીના સાનિધ્યમાં શુભ સંકલ્પ કર્યો.ટૂંક સમયમાં જ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવી જમીન સંપાદનની કાર્યવાહી કરી સ્વામિનારાયણ આશ્રમની સ્થાપના કરવામાં આવી પરપ્રાંતમાં સંસ્થા બનાવવાનું કામ સહેલુ નથી.ઘણાં સ્થાપિત હિતો તરફથી અવરોધો આવ્યા.છતા આ સંત હિમત હાર્યા નહિ. એ હસતા મોંએ મુશ્કેલીઓનો સામનો કરતા ગયા અને મક્કમતા પૂર્વક આગળ વધતા ગયા.
સૌ પહેલા ધર્મશાળા બંધાવી.ગુજરાતી અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓનો ખુબ રાજીપો મેળવ્યો.હરિદ્વારમાં પોતાનું જ એક ઘર હોય તેવી સૌની અનુભૂતિ થઈ.યાત્રિકોના ખૂભ ઘસારાના કારણે ધર્મશાળા નાની પડવા માંડી.પૂ.સ્વામીજીની કાર્યકુશળતા,ધગશ અને સેવાભાવના જોઈ દેશ-વિદેશના દાતાઓએ દાનનો ધોધ વહેવડાવ્યો.એકવાર આશ્રમમાં આવનારને કાયમના માટે પોતાનો કરી લેવાની આ નવયુવાનસંતની આવડતાના કારણે યુ.કે.,યુ.એસ.એ.વગેરે વિદેશના હરિભક્તોએ સ્વામીનો આગ્રહ કરીને ત્યાં બોલાવ્યા અને તેની ઝોળી પાઉન્ડ અને ડોલરથી છલકાવી દીધી.પછી શું જોઈએ ? અખંડ પુરુષાર્થ અને ઈશ્વરના આશિષ તો હતા જ.
આશ્રમની કામગીરી ધમધોકાર ચાલવા માંડી,ઋષિકેશ હાઈવે પર વિશાળ જગ્યા લઈને તેમાં સ્વામિનારાયણ ભગવાનનું નવ્યભવ્ય શિખરબંધ મંદિર બનાવ્યુ.ધામધુમથી તેની પ્રતિષ્ઠાવિધિ સંપન્ન કરી.યાત્રિકો માટે અદ્યતન એસી/નોનએસી 100થી પણ વધુ રુમોવાળા વિશાળ યાત્રિકભવનનું નિર્માણ કર્યુ.
ગૌમાતાની સેવા કરવા વિશાળ અને અદ્યતન ગૌશાળા બંધાવી.ગંગાજીના તટ પર,જ્યાં નિલકંઠવર્ણીરુપે ભગવાન સ્વામિનારાયણ પધારેલા ત્યાં સ્વામિનારાયણ ઘાટ બંધાવ્યો.
આશ્રમમાં દરરોજ સંતો અને યાત્રિકોને અન્નદાનનું સદાવ્રત આપવામાં આવે છે.વિવિધ ઉત્સવોની દબદબાભેર ઉજવણી થાય છે.અધ્યાત્મ અને શિક્ષણના સમન્વયરુપે આશ્રમમાં ઋષિ બટુકોને સંસ્કૃત કર્મકાંડ,અંગ્રેજી અને કોમ્પ્યુટરનું વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે.
પૂ.સ્વામીજી કાર્યકુશળતા,ઉદારતા અને સેવાભાવનાના કારણે આજે હરિદ્વારમાં સૌના પ્રિયપાત્ર બન્યા છે.ત્યાંના મહામંડલેશ્વરો પણ તેમને પોતાના એક સ્વજન માનીને આદર સન્માન આપે છે.ભારતના સેતુબંધ રામેશ્વર,જગન્નાથપુર વગેરે પ્રમુખ તીર્થસ્થાનોમાં પણ ધર્મશાળાઓ બંધાવી યાત્રિકોની સેવા અને સ્વામિનારાયણ ભગવાનના સર્વજીવહિતાવહના સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસાર કરવાની સ્વામીજીની નેમ છે.
(પૂ.શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજીના સુંદર માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં રાંદેર અને અડાજણ બે જગ્યાએ વિદ્યાલયો ચાલે છે.વધુ વિગત માટે જુઓ 'શ્રી સ્વા.ગુરુકુળ,અડાજણ-સુરત'
હાલમાં પૂ.શાસ્ત્રીજી મહારાજ શ્રી સ્વામિનારાયણ મંદિર,જુનાગઢમાં મહંતપદે બિરજીને રાધારમણદેવની સેવા કરે છે.)
|