પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણ આ વિશ્વમાં પધારી વેદસ્થ સનાતન ધર્મના પાયા જે કળીયુગી પ્રભાવથી હચમચી ગયા હતા તેને પુનઃમજબુત કરવા,વિશિષ્ટ સિદ્ધાંતનો પ્રાણ પૂરવા,જીવ, ઈશ્વર,માયા,બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરુપને સમજાવી ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય,અને એકાન્તિકી ભક્તિના રુંધાયેલ માર્ગને મુક્ત કરી સુસંસ્કારી અને શિષ્ટ એવમ્ સમૃદ્ધ અને જ્ઞાનનિષ્ઠ સમાજનું નિર્માણ કરી પાપચારમાંથી મુક્ત કરવા ધર્મ,અર્થ, કામ અને મોક્ષના સરલ બનાવી કરુણા વરૃણાલયે આ સમગ્ર સત્સંગને અભય અને મોક્ષરુપ વરદાન પણ આપ્યુ.
પૂર્વ પ્રદેશમાં પ્રગટી ગરવી ગુજરાતમાં પધારી શુદ્ધ ચૈતન્ય-ગુણાતીત જ્ઞાનરુપી મશાલ પાંચસો પરમહંસોના હાથમાં આપી.શિક્ષાપત્રીરુપ પોતાના સ્વરુપે આચાર સંહિતા આપી.અને છ અંગોમાં સત્સંગ જળવાઈ રહે તે માટે સ્વહસ્તે મહામંદિરો નિર્માણ કરાવી ભગવત્ સ્વરુપો પ્રસ્થાપિત કરી બે આચાર્યોની સ્થાપના સાથે સંત,હરિભક્ત બાઈ ભાઈ સર્વેને સુખ,શાંતિ એ સમૃદ્ધિ આપી.
જૂનાગઢના અ.મુ.સ.શ્રી ગુણાતિતાનંદ સ્વામીની શિષ્યપરંપરાના મહાપુજા પરાયણ પૂજ્ય ગુરુ સ્વામી શ્રી નારાયણમુનિદાસજી પણ સત્સંગની વૃદ્ધિ માટે મહાનગરોથી આરંભી છેક છેવાડાના નાના ગામડાઓ સુધી કથાવાર્તા,કીર્તન,યજ્ઞો,પારાયણો કરી કરાવી સાથો સાથ ગુજરાત, મહારાષ્ટ્ર,તામીલનાડુ, આફ્રિકાખંડ,યુરોપ અને અમેરિકા સુધી સત્સંગ સેવાના કાર્યો કરતા રહ્યા.સત્સંગ વિકાસ પ્રચાર પ્રસાર કરી તેના ભાગરુપે હનુમાનપરા,સરસઈ,સરસિયા,સિમાસી,નાના ભંડારિયા,રામપુર,રામોદ,ભીમકટા વગેરે ગામોમાં હરિમંદિરો નિર્માણ કરાવ્યા એ અવિરત સેવાકીય પ્રવૃત્તિ કરવા વેહવાર કુશળ મુખ્ય શિષ્ય કોઠારી સ્વામી ભક્તિ જીવનદાસજીને કાર્યભાર સોંપી દીધો.
વિશેષમાં બહુજનહિતાય પ્રવૃત્તિ કરવા પોતાના ઉત્તરાધિકારી વિદ્વાન સ્વામીશ્રી કે.પી.શાસ્ત્રીજીને પ્રેરીત કર્યા અને શ્રીશાસ્ત્રીજીએ "સેવા મુક્તિશ્ચ ગમ્યતામ્"સૂત્રને જીવનમંત્ર બનાવી લીધો.પ્રુભુસેવા હોય કે દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ,વાવાઝોડું હોય કે જલપ્રકોપ,ભુકંપ હોય કે અન્ય માનવ સમાજ સામે આવેલ કોઈ પણ પ્રકારની આફતમાં રાહત પુરી પાડવી એ સ્વાભાવિકતા બની રહી.સમાજ ઉત્થાનની કલ્યાણકારી ભાવનાને દ્રષ્ટિબિંદુ બનાવી આવનારા પેઢીમાં શ્રીહરિ સ્થાપિત સત્સંગના ગુણોની વૃદ્ધિ થાય અને સમાજનું નવસર્જન થાય,આધુનિક સવલતો દ્વારા ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય સાથે વ્યક્તિમાં વિશિષ્ટ કૌશલ્ય પ્રકટે અને માનવ વિશઅવમાં પાંગરે એવી ઉચ્ચકોટીના ધ્યેયબિંદુને સુદ્ધ કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે.
જે પવિત્ર ભૂમિ માટે પૂર્વે મહાપુરુષોએ ભવિષ્યવાણીરુપ વચનો ઉચ્ચારેલ કે આ ભૂમિ વિશ્વવમાં પ્રસિદ્ધ થશે.અહીં ઘણાં સારા સત્કાર્યો થશે.પવિત્ર સાધુ સંતો નિવાસ કરશે.એજ જમીન પ્રાપ્ત થતા કડોદરામાં શ્રી સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠ સંસ્થાની સ્થાપના થઈ.
બાલમંદિરથી શરુ થયેલ આ સંસ્થાએ પ્રાથમિક-માધ્યમિક વિભાગો પૂર્ણ કરી અને દેશમાં પ્રથમ રેસિડેન્સિયલ મેડિકલ મહિલા ફિઝિયોથેરાપી કોલેજે કાર્યાન્તિવ કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે.
સંસ્થામાં છાત્રાવાસની પણ અદ્યતન સુવિધા છે.
બી.એડ.,ફાર્મસી જેવી કોલેજો મેળવી ભવિષ્યમાં શિક્ષણ વિભાગની પ્રવૃત્તિઓ ઉપરાંત હોસ્પિટલ તેમજ વૃદ્ધનિકેતન અને શ્રી હરિનું મહામંદિર નિર્માણ પણ સમયાનુસાર થશે.
પૂજ્ય કોઠારી બાપા અને પૂજ્ય શાસ્ત્રીની આજ્ઞાથી શ્રી સુરેશભાઈ,શ્રી ઘનશ્યામભાઈ અને શ્રી શૈલેષભાઈ સમર્પણ ભાવનાથી સેવા કાર્યમાં જોડાયા છે.
|