18મી સદીના ઉતરાર્ધમાં સદાચાર,સદ્વિદ્યા અને સંસ્કારના હિમાયતી અને આધ્યાતમિકક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિના પ્રણેતા ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રબોધેલી શિક્ષાપત્રીના 'પ્રવર્તનીય સદ્વિદ્યા'આદેશને શિરે ચડાવીને વરતાલ મંદિરના એક સંતવર્ય પ.પૂ.સદગુરુ ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીએ વરતાલ વિહારીની સમીપે સર્વજીવહિતાવહ સંદેશને દેશવિદેશમાં જનમન સુધી પહોંચાડવાની પ્રતિજ્ઞા કરી.
શરીરથી આ વામનસંતે વિરાટ સેવાપ્રવૃત્તિ તરફ કદમ ઉઠાવ્યા.વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામે ને.હા.નં.8ને અડીને ધાર્મિક,સામાજિક એવમ્ શૈક્ષણિક પ્રવૃત્તિની ધૂણી ધખાવી અને સેવા સાધનાનો આરંભ કર્યો.
સાધના અને સત્સંગીઓના સહકારથી એક સેવાસ્થાન સાકાર થયુ અને સમાજમાં ગરીબ અને મધ્યમવર્ગનાલોકોને આશીર્વાદરુપ 'રેસીડેન્શીયલ સ્કૂલ'નો પ્રારંભ થયો અનેક મા બાપે તરછોડેલા તેમજ અસહાય વિધવાપુત્રોએ ગુરુકળમાં શિક્ષણ સાથે સંસ્કાર અને આધુનિક અને આધ્યાત્મિકજ્ઞાન મેળવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ.ગરીબ તથા મધ્યમવર્ગના જ બાળકો હોવા છતા સંતો અને શિક્ષકોની જહેમતના એસ.એસ.સી.બોર્ડમાં 100 ટકા પરિણામ પ્રાપ્ત કરીને સંસ્થાએ શૈક્ષણિકક્ષેત્રે 'આદર્શ સંસ્થા'નું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે.હાલમાં ધોરણ 6 થી 10માં 300 જેટલા બાળકો અભ્યાસ કરે છે.જેમાં 100 જેટલા બાળકોને નિઃશુલ્ક શિક્ષણ તેમજ રહેવા જમવાની ઉત્તમ સગવડ આપતા સંસ્થા પોતાનું ગૌરવ અનુભવે છે.શિક્ષણ સાથે સંગીત,સાંસ્કૃત્તિક કાર્યક્રમ,રાસ,નૃત્યો,જેવી અનેક પ્રવૃત્તિમાં પણ ગુરુકળના બાળકો અગ્રક્રમે છે.
સંસ્થા શિક્ષણ સાથે સમાજસેવામાં પણ દરેક ક્ષણે તત્પર રહે છે.કારગીલ સહાય હોય કે પછી ભૂકંપ સહાય,સંસ્થાએ શક્તિ કરતા વધારે સેવા કરવાનું સાહસ કર્યુ છે.સંસ્થા આધ્યાત્મિક ધ્યેયને વરેલી હોય નાનીમોટી જાહેરગ્રામ સત્સંગ સભાઓ,શાકોત્સવ,બ્રહ્મસત્રો અને પરિવાર સભાના માધ્યમથી હજારો હરિભક્તોને અધ્યાત્મિક પાથેય પુરુ પાડ્યુ છે અને 20મી સદીનો અંતિમ 21મી સદીનો પ્રથમ સંસ્થાના 'પંચાબ્દી મહોત્સવ'દ્વારા સમાજિક ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જીને વિકાસની હરણફાળ ભરી છે.
આજે મેનેજીંગ ટ્રસ્ટી પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી સાથે 35 જટલા સંતો તેને માટે અવિરત શ્રમયજ્ઞ કરી રહ્યા છે.ગુરુકળની પ્રથમ શાખારૂપે વડોદરા શહેરમાંપણ જમીન સંપાદિત કરી છે.જેમાં નજીકના ભવિષ્યમાં સ્કૂલ,છાત્રાલય જેવા વિવિધ સંકુલો થશે.
સંસ્થા સામાજિક સાથે સાંપ્રદાયિકક્ષેત્રે પણ આગવું સેવાકાર્ય કરી રહી છે.જેનીઝાંખી લોયાધામના દર્શન કરતા જ થાય છે.
લોયાધામ એક પરિચય -
પરબ્રહ્મ પરમાત્મા સ્વામિનારાયણ અને 500 પરમહંસોના પગલે પાવન થયેલ ભક્તરાજ સુરાખાચરની કર્મભૂમિ અને શાકોત્સવના ઉદભવ સ્થાન સમાન તીર્થધામ લોયામાં આજે પણ વચનામૃતના દિવ્યશબ્દો હજી ગુંજી રહ્યા છે.પણ ભૌગોલિક તેમજ વાસ્તુની દ્રષ્ટિએ આ ધામ માટે ગૌરવ લઈ શકાય તેમ નથી બન્ને દેશના દેશ વિદેશમાં વસતા હરિભક્તોએ તન,મન,ધનથી આ ધામના વિકાસમાં સહભાગી થવું જોઈએ.ગઢપુર પછી જેનું મહાત્મ્ય સૌથી ઉંચુ છે.એવા આ ધામમાં મંદિર,ઉતારાની સાથે પ્રસાદીના સ્તાનોની જાળવણીના ગઢપુરના અ.નિ.બ્રહ્મનિષ્ઠ પુરાણી શ્રી હરિપ્રસાદદાસજી સ્વામીના સ્વપ્ને સાકાર કરવા પ.પૂ.શા.શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (ગાંધીનગર)એ કંડારી ગુરુકુળને એ સેવાની તક આપી.
શાકોત્સવનો બ્રહ્માનંદ,વચનામૃતનો બ્રહ્મનાદ અને સંતો ભક્તોની બ્રહ્મહેલીના ભવ્ય ભૂતકાળને પુનર્જીવિત કરીને અનંત ભવિષ્ય સાથે જોડાવા પ.પૂ.સદગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીએ નિષ્કામ સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો છે.જો સત્સંગી અતીત ઈતિહાસમાં નજર કરે અને લોયાધામના માહાત્મ્યને સમજવાનું સદભાગ્ય કેળવે તો સંપ્રદાયમાં તીર્થધામ ધ્રુવતારાની માફક ચમકી ઉઠશે.
લોયાધામમાં પ્રાથમિક શાળા,ગૌશાળા તેમજ તળાવનું નિર્માણ થઈ ચૂક્યુ છે.ઉપરાંત બે આરસની છત્રીઓનું પણ નિર્માણ થઈ ચૂક્યુ છે અને વિકાસ કાર્યો હજુ શરૂ છે.
|