મહુવા તાલુકાના નેસવડ ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલ ઉભુ થાય એવો વિચાર શ્રી સ્વામિનારાયણ મંદિર,મહુવાના મહંતપદે સેવા કરનાર પ.પૂ.શાંતિસ્વરૂપદાસજી સ્વામીનો હતો.તેમની ઈચ્છા હતી કે જ્યાં શિક્ષણનો વ્યાપ ન હોય,બાળકોને પૂરતું શિક્ષણ ન મળતું હોય તેવા વિસ્તારમાં ગુરુકુળ સંકુલ બનાવવુ.આ ઈચ્છાને પુરી કરવા પ.ભ.શ્રી નારાયણભાઈ રાઠોડે નેસવડ ખાતેનું પોતાનું મકાન સ્વામીજીએ અર્પણ કર્યુ અને નેસવડમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના બીજ રોપાયા.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નેસવડનો મુખ્ય હેતુ શિક્ષણ,સેવા અને સંસ્કાર સિંચન છે.આપણાં દેશનાં જ્યારે શિક્ષણના નામે અનેક દુષણો પ્રસરી ચૂક્યા છે.અને બાળકોનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાઈ રહ્યુ છે ત્યારે આ દેશના ભાવિ ઘડવૈયાઓના વ્યક્તિત્વનું નિર્માણ કરવા,દેશના સબળ નાગરિક બનાવવા અને નવયુવાનોમાં ઉચ્ચશિક્ષણની ધાર્મિક આસ્થાનું સિંચન કરવાનો મુખ્ય ધ્યેય રાખીને નિઃસ્વાર્થ ભાવે સમાજને સાચો રાહ બતાવનાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નેસવડ કટીબદ્ધ છે.
સંસ્થાએ જુન 1997માં ધો 1 થી 4ની પ્રાથમિકશાળા શરૂ કરી અને ક્રમશઃ આગળ વધી સન્ 2000માં માધ્યમિક શિક્ષણનો પ્રારંભ કર્યો.બાળકોને શિક્ષણમાં રસ લેતા કર્યા.બાલમંદિરથી ધો.10 સુધીનું શિક્ષણ સંકુલ ઉભુ કરીને નેસવડ તથા આજુબાજુના ગામો માટે શિક્ષણની ઉત્તમ વ્યવસ્થા કરી.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સમયની માંગ અનુંસાર સેવાઓ વિસ્તારવાની દ્રષ્ટિ સાથે સતત કાર્યરત છે. કોઈપણ પ્રકારના મોટા અનુદાન વગરની આ સંસ્થાનું સંચાલન પૂ.સ્વામી શાંતિસ્વરૂપદાસજી સફળતાપૂર્વક કરી રહ્યા છે.
સંસ્થામાં અભ્યાસની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે હિન્દી પરીક્ષા,ગાંધીદર્શન પરીક્ષા,બુદ્ધિ કસોટી પરીક્ષા,ડ્રોંઈંગ પરીક્ષા, ભારતીય સંસ્કૃત્તિજ્ઞાન પરીક્ષા વગેરેનું આયોજન પણ કરવામાં છે.
બાળકોમાં અકલ્પ્ય શક્તિઓ રહેલી હોય છે.તે શક્તિઓને વિકસાવવા સંસ્થામાં કરાટે,સંગીત,નૃત્ય,યોગ વગેરે શીખવવામાં આવે છે.સંસ્થા દ્વારા દર વર્ષે શૈક્ષણિક પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે.બાળકના સર્વાંગ વિકાસની તમામ પ્રવૃત્તિઓની સંતો અને તાલીમબદ્ધ શિક્ષકોની દેખરેખ હેઠળ થાય છે.
કેળવણીનો સાચો અર્થ બાળકમાં રહેલી તમામ શક્તિઓનું પ્રગટીકરણ.બાળકોમાં રહેલ તમામ શક્તિઓ બહાર કાઢી જીવન સફળ બનાવી લોકહીતનો ખ્યાલ,મક્કમતા,સંયમ,સહકાર,પરિશ્રમનું શિક્ષણ એ જ સાચી કેળવણી છે.
સંસ્થામાં થતા કાર્યક્રમો દર્શનીય અને હૃદયસ્પર્શી હોય છે.આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ પોતાના રહેલી કલા પ્રદર્શિત કરી સર્વને મંત્રમુગ્ધ કરે છે.રાષ્ટ્રીયપર્વો,સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી રંગદર્શી રીતે થાય છે.
જે શિક્ષણ દ્વારા ચારિત્રનો પાયો રચાય,જીવનના અંતરાયો જાતે દૂર કરવાની શક્તિ મળે.પોતાની જાતે જ પોતાનો વિકાસ કરવાની પ્રેરણા મળે તેવો પ્રયાસ આ સંસ્થા કરી રહી છે.
સંસ્થામાં પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ તમામ વિદ્યાર્થીઓ માટે તબક્કાવાર લોહીનું પરીક્ષણ, નિષ્ણાંતો દ્વારા આરોગ્યની તપાસના કેમ્પો કરવામાં આવે છે.
"મક્કમતા જો હોય ભરેલ ડગલાની તો રસ્તા પરના કંટક પણ ફૂલ બને છે."
આ પંક્તિને ધ્યાનમાં રાખીને કઠીનમાં કઠીન કાર્યો કરવા અને વિદ્યાર્થીઓને સક્ષમ શિક્ષણ આપવા સંસ્થા કટીબદ્ધ છે.સંસ્થાએ પોતાના ખર્ચે 11 વર્ગખંડો,વિશાળઓફિસ અને ધો.3 થી 10 સુધી કોમ્પ્યુટર શિક્ષણની સુવિધા કરી છે.શિક્ષણમાં વધુ આધુનિકતા લાવવા માટે સંસ્થા "વિજ્ઞાનપ્રયોગશાળા" અને "વિશાળ લાઈબ્રેરી" તેમજ આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓ માટે વાહન(બસ)માટે પ્રયત્નશીલ છે.
સંપૂર્ણ રીતે "શિક્ષણ અને સંસ્કાર"ને સમર્પિત આ સંસ્થામાં યોગ્ય માર્ગદર્શન,નિષ્ઠા,સંયમ,સહકાર અને મહેનત અલગ તરી આવે છે.મેનેજીંગ ટ્રસ્ટી શ્રી શાંતિસ્વરૂપદાસજી તથા ટ્રસ્ટી મંડળના સદસ્યો કો.સ્વા. દેવપ્રસાદદાસજી,કો.સ્વા.ભક્તિચરણદાસજી વગેરે સંતો તથા પ.ભ.શ્રી રમુદીનભાઈ છતરીયા, પ.ભ.શ્રી નારાયણભાઈ રાઠોડ તેમજ સમગ્ર શૈક્ષણિક પરિવાર આ સેવાયજ્ઞરૂપી સંકુલની સુવાસ ફેલાવવા અથાગ પરિશ્રમ કરી રહ્યા છે.
|