શ્રી કૃષ્ણ સખા સુદામા અને શસ્ત્ર વિના બ્રિટિશ સલ્તનતને નમાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભુમિ એટલે પોરબંદર.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયથી અતિશય અપરિચિત એવા આ વિસ્તારમાં પોરબંદરના ઉપનગર છાંયામાં લોહાણા સંત પૂજ્ય શ્રી મહેશ્વરાનન્દજી સ્થાપિત અને પરિસ્થિતિવશાત્ બંધ પડેલ શ્રી દીનદયાળ ગુરુદ્વાર છાત્રાલય સંસ્થાના ટ્રસ્ટીઓએ તમામ સ્થાવર મિલ્કત સાથે તે સંસ્થા સન્ 1977માં 'શ્રી સત્સંગ શિક્ષા પરિષદ-,ગાંધનગર'ના મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાસદાસજી તથા શાસ્ત્રી સ્વામી શ્રીહરિકૃષ્ણદાસજીને વિશે, વિકાસ માટે સોંપી અને 250 વિદ્યાર્થીઓની કેવળ સંખ્યા ધરાવતા 'શારદા વિદ્યાલય'નું શ્રી સ્વામિનારાયણ હાઈસ્કુલ નામાભિધાન થયુ.
સંચાલન સંસ્થા હસ્તક આવતા 500 જેટલી વિદ્યાર્થીની સંખ્યા બનવા પામેલ અને દેશ વિદેશ સ્થિત શિક્ષણપ્રેમી દાતાઓના આર્થિક અનુદાનને કારણે નવા બંધાયેલા શૈક્ષણિક ભવનોમાં આજે 3500 જેટલા વિદ્યાર્થીઓ બાલમંદિરથી આરંભી પી.ટી.સી. કોલેજ સુધીનું સંસ્કાર સાથે શિક્ષણ મેળવી રહ્યા છે.
આજુબાજુના વિસ્તારના લોકોની લાગણી અને માગણીને માન આપીને સંસ્થાએ રાણાવાવ મુકામે પણ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શાખાઓ ખોલી છે.તેમાં રાણાવાવ મુકામે શિક્ષણના પાયારુપ બાલમંદિરમાં 200 બાળકો,મોન્ટેસરી પદ્ધતિથી બાળ કેળવણી મેળવી રહ્યા છે તથા રાણાવાવ પ્રાથમિક શાળા સંકુલ પણ 500 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામલક્ષી સંખ્યબળ ધરાવે છે.
એકવીસમી સદીમાં પગરણ માંડતા આપણે આ સદીને આવકારીએ કે ન આવકારીએ તો પણ કાળક્રમે એકવીસમી શતાબ્દી આવીને ઉભી રહી છે.સમય કોઈની પણ પ્રતીક્ષા કર્યા વિના સતત વહેતો રહે છે.
આગામી સદી એટલે કોમ્પ્યુટર,સ્પેસ અને બાયો એન્જીનિયરીંગ જેવી ટેકનોલોજીનો યુગ છે.આજના ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે વિશ્વની અનેકવિધ ગતિવિધિઓ સાથે તાલમેલ સાધવો આવશ્યક છે.આ બાબતની મેળવણી આપણને કેળવણી દ્વારા મળે છે."મનુષ્યની અંદર રહેલી શક્તિને બહાર ખેંચી લાવે તે કેળવણી" આંતરિક શક્તિઓનો વિકાસ એટલે મનોભાવનાની સમજૂતિ.આ સમજૂતિ એટલે સંસ્કાર.આ પ્રકારની સંસ્કાર વિનાની વિદ્યા કે વિજ્ઞાન એ વૈચારિક સંકુચિત દાયરામાં આવીને સ્વાર્થ સિદ્ધિનું સાધન બનીને સર્વ વિનાશ નોતરે છે.પછી તે મહાભારતકાલીન દુર્યોધન હોય કે વર્તમાન સમયનો ઓસામા બીન લાદેન હોય.
માનવજીવનમાં શિક્ષણ જ સર્વસ્વ નથી.શિક્ષણનું અદકેરુ સ્થાન છે.પરંતુ સંસ્કાર સર્વોપરી છે.આ બાબતને લક્ષ્યમાં રાખીને આ સંસ્થા નિવાસી ગુરુકુળ પરંપરાના સત્સંગ છાત્રાલયો દ્વારા કેળવણીની સાથે સાથે જીવનની મેળવમીના મૂલ્યબક્ષી શિક્ષણના સંસ્કારને પુરા પાડે છે.વડના બીજમાં જેમ એક વટવૃક્ષ સમાયેલુ છે.તેમ એક નાના બાળકના ભવિષ્યનો એક મહાન વૈજ્ઞાનિક,રાષ્ટ્રભક્ત નાગરિક બેઠેલો હોય છે.પણ બીજની આજુબાજુ પોષકતત્વો,પાણીની સગવડ અને સંરક્ષણની વાડ હોય તો જ એ આગળ જતાં વટવૃક્ષનું રુપ ધારણ કરી શકે છે.
લંડન,અમેરિકા,મોમ્બાસા,નાઈરોબી,કિસુમુ,એલ્ડોરેટ,કિટાલે(કેન્યા),દારેસલામ,મોશી તથા અરુષા(ટાન્ઝાલીયા) એન્ડોલા(ઝામ્બિયા) તથા વિદેશસ્થિત અન્ય નામી અનામી નાના મોટા તમામ શિક્ષણ સમાજ સેવા પ્રેમી દાતાઓના સંપૂર્ણ આર્થિક સહયોગથી તથા પૂજ્ય સદગુરુવર્ય સ્વામી શ્રી ભક્તિનંદનદાસજીની શુભાશિષ અને શા.સ્વામી હરિપ્રકાસદાસજી,શા.સ્વામી ભાનુપ્રકાશદાસજી,સ્વામી ધર્મતનયદાસજી,સ્વામી શ્રી પ્રકાશદાસજી તથા શ્રીકેતનભાઈ બી.પટેલના માર્ગદર્શન અને પરિશ્રમને કારણે સંસ્થા શૈક્ષણિક અને સામાજિક કાર્યોમાં સતત આગેકૂચ કરતી રહી છે.
|