ગુરુકુળો ભારતીય સંસ્કૃત્તિનું અભિન્ન અંગ છે.ગુરુકુળનું શિક્ષમ વ્યક્તિને જીવનમાં શિક્ષાની સાથે દિક્ષા પણ આપે છે.આજે શિક્ષણમાં શ્રમનું મૂલ્ય ઘટતુ જાય છે.એના કારણે ગ્રેજ્યુએટ થયેલો યુવાન પણ પરાધિન અને નિર્માલ્ય જોવા મળે છે.ત્યારે જરૂર છે જીવનલક્ષી શિક્ષણની.ગુરુકુળોમાં અપાતુ શિક્ષણ આવા પ્રકારનું હોય છે.તેમાં માત્ર બાળકના બૌદ્ધિક જ નહિ,શારીરિક,સામાજિક,સાંવેગિક વગેરે વિકાસને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.બાળકને શિક્ષણ સાથે સારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે.તેના કારણે બાળક કદાચ ઓછુ ભણે તો પણ તે જીવનમાં સ્વનિર્ભર અને એક સારો નાગરકી બને છે.
શિક્ષણ ઓછુ હોય તો ચાલે.પરંતુ સંસ્કારની ઉણપ ન ચાલે.આજે વ્યસન,ફેશન અને દેખાદેખીમાં બાળકોનું જીવન બરબાદ થતુ જોવા મળે છે.માતા-પિતાને વડીલો પોતપોતાના વ્યવસાયમાં રચ્યા પચ્યા રહે અને બાળક જંગલના ઝાડની જેમ ઉછર્યા કરે.આવી પરિસ્થિતિમાં બાળકનો સુયોગ્ય વિકાસ કરવામાં ગુરુકુળોનો સિંહ ફાળો છે.શ્રી રામ,શ્રી કૃષ્ણ જેવા ભગવાનના અવતારોએ પણ ગુરુ શરણે બેસીને જ્ઞાન મેળવ્યુ હતુ.શિક્ષણ સાથે સંસ્કાર અને જીવનઘડતરની આ ઉજ્જવળ પરંપરાને જીવંત રાખવા શા.સ્વા.શ્રી કૃષ્ણદાસજી અને તેમના સંત મંડળે નિર્ધાર કર્યો અને શ્રીસ્વામિનારાયણ ગુરુકુળ ઉપલેટાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યુ.
પૂ.શા.સ્વામી શ્રી કૃષ્ણદાસજીએ ઘણાં વર્ષો સુધી શ્રી સ્વામિનારાયણ મંદિર,કચ્છ-ભૂજમાં પાર્ષદ તરીકે સેવાઓ આપી.પછી અમદાવાદના પૂજ્યપાદ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞાથી સ્વામિનારાયણ મંદિર,નવીદીલ્હીમાં પણ થોડો સમય સેવાઓ આપીને મંદિરનો સારો વિકાસ કર્યો તથા ત્યા આવતા હરિભક્તો અને ગુજરાતી યાત્રિકોની સારી સેવા કરીને સૌના દિલ જીતી લીધા.અમદાવાદ અને વડતાલ બંન્ને દેશના સંતોને પણ ત્યાં પોતીકાપણું લાગતું.સરળ સ્વભાવ,નિર્માનિતા અને સત્સંગસેવાની ધગશના કારણે તે સૌને પ્રિયપાત્ર થઈ પડ્યા.સ્વામીની સારી સુવાસ અને કાર્ષનિષ્ઠા જોઈને મહારાજશ્રીએ તેમને શિક્ષણ સેવા કરવાની શુભાશિષ આપી.એક કર્મઠ અને દ્રષ્ટિવાળા સંતનું કાર્યક્ષેત્ર મંદિરની ચાર દિવાલો બહાર વિસ્તર્યુ.
શ્રી સ્વામિનારાયણ ભગવાન વિચરણ વખતે ઉપલેટા પધાર્યા હતા.આ પ્રસાદીભૂત ગામમાં મોજ નદીના કીનારા પર આવેલી સંસ્થા છેલ્લા દશ વર્ષથી પોતાના શૈક્ષણિક,ધાર્મિક અને સામાજિક કાર્યોથી પોતાની સુવાસ ફેલાવી રહી છે.સંસ્થામાં ધો.4 થી 10 સુધીના શિક્ષણની સુવિધા છે.શાળામાં શિક્ષણ ઉપરાંત રમતગમત,વિવિધ સ્પર્ધાઓ,સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ,પ્રવાસ વગેરે પણ યોજવામાં આવે છે.બાળકોમાં આધ્યાત્મિકતાનું સિંચન કરવા સંતો અવાર નવાર ધાર્મિક પ્રવચનો દ્વારા બાળકોને ભારતના ભવ્ય સાંસ્કૃત્તિક અને અધ્યાત્મિક વારસનો પરિચય કરાવે છે.
સંસ્થામાં 250 બાળકો રહી શકે તેવી અદ્યતન પ્રકારની છાત્રાલયની પણ સુવિધા છે.
શિક્ષણની આંખે અને વિજ્ઞાનની પાંખે બાળક ઉડી શકે તેવો બને તે માટે સંસ્થામાં કોમ્પ્યુટર શિક્ષણની સુવિધા છે.સંસ્થામાં પ્રયોગશાળા, પુસ્તકાલય, સ્વીમીંગપુલ વગેરેની પણ સુવિધા છે.અનુભવી અને તાલીમી શિક્ષકો બાળકોના સર્વાંગી વિકાસમાં પુરતું ધ્યાન આપે છે અને સંતોનું તેમાં પળે પળે કિંમતી માર્ગદર્શન પણ મળતુ રહે છે.
ગૌ માતાની સેવા થાય અને બાળકોને તાજુ દૂધ,દહીં,છાશ વગેરે મળી રહે તે માટે સંસ્થા ગૌશાળા પણ ચલાવે છે.વિશાળ જગ્યામાં વૃક્ષોની વચ્ચે આવેલી આ સંસ્થા સાચેજ તપોવનની યાદ દેવડાવે તેવીછે.કુદરતના સાનિધ્યમાં કિલ્લોલ કરતા બાળકોને નિહાળતા હૈયુ ટાઢુ થાય તેવી આ સંસ્થાના વિકાસમાં સ્વામી રાધેશ્યામદાસજી,સ્વામી ધર્મનંદનદાસજી,સ્વામી વેદપ્રકાશદાસજી તથા સ્વામી ઘનશ્યામપ્રિયદાસજી વગેરે સંતો ભારે જહેમત ઉઠાવી રહ્યાછે.
શિક્ષણ સેવાની ક્ષિતિજો વિસ્તારવા આ સંસ્થા ભચાઉ પાસે હાઈવે પણ શિક્ષણ સંસ્થા ચલાવે છે.
|