સૌરાષ્ટ્રની ધરતી,સંત,શૂરા અને સતિઓથી ગૌરવાન્તિવ છે.જુનાગઢના તપોનિષ્ઠ,વિદ્વાન અને સુપ્રસિદ્ધ સંતવર્ય પૂ.પંડિત સ્વામી ધર્મવલ્લભદાસજીએ અમરેલી જિલ્લાના વડીયા ગામે પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યુ.સ્વામીની ધર્મના પ્રચાર,પ્રસાર શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રે કંઈક કરી છુટવાની પ્રબળ ઉત્કંઠા હતી.પરંતુ ગામ નાનું એરિયો સુકો.વળી હરિભક્તો ઓછા.તેથી ઘણાં વર્ષોની જહેમત પછી વડીયામાં શિખરબંધ મંદિરનો પાયો નંખાયો.પૂ.પંડિત સ્વામીના અક્ષરવાસ પછી તેમના શિષ્ય પૂ.રામકૃષ્ણ સ્વામીએ મંદિરનુ કામ ધમધોકાર ઉપાડ્યુ. મંદિર પુરુ થયુ. ત્યાં પંડિત સ્વામી - દાદા ગુરુનાં સંકલ્પને સાકાર કરવા નવયુવાન વિદ્વાન કથાકાર અને શિક્ષણ ક્ષેત્રે કંઈક કરી છુટવાની ધગશવાળા શિષ્ય શા.સ્વામી આનંદસ્વરુપદાસજીએ શિક્ષણ સંસ્થાના પાયા રોપ્યા.
જૂન 1994માં પૂ.પંડિત સ્વામીના ઉત્તરાધિકારી સંતમંડળે પૂજ્ય ગુરુજીના શુભાષિશ અને મંડળના સર્વ સંતોના સાથ-સહકારથી શ્રી રાધારમણદેવ એજ્યુ.એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ "શ્રી પંડિત સ્વામી વિદ્યામંદિર"નામથી ધો 1 થી 4 પ્રાથમિક શિક્ષણની શરુઆત કરી.ક્રમશઃ આગળ વધતા સન્ 1998માં "શ્રી સ્વામિનારાયણ હાઈસ્કુલ વડિયા"થી માધ્યમિક શિક્ષણ શરુ કર્યુ અને ક્રમશઃ આગળ વધ્યા.
ઠાકોરજીને નિયમિત તાજુ દૂધ મળતુ રહે અને ગાયમાતાની સેવા થાય એવા શુભાશયથી સંતો,મંદિરમાં ગાયો નિભાવતા હતા તેને વ્યવસ્થિત કરી સરસ ગૌશાળા બનાવી.
આજુબાજુના ગામડાઓમાં સત્સંગ-પ્રચાર-પ્રસાર કથાવાર્તા,સત્સંગ શિબિરોનું પણ સ્વામિનારાયણ મંદિર - વડિયા તરફથી આયોજન કરવામાં આવે છે.આવકના ઓછા સ્રોત હોવા છતા સંસ્થા અનેક વિધ આયામો પ્રતિ કાર્યન્તિવ બનતી જાય છે.સંસ્થાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના પરિણામો,કાર્ય શૈલી વગેરે જોઈને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ પણ શરુ થાય તેવી ગામની શિક્ષણ પ્રેમી જનતામાં માંગ ઉઠી સંતોએ તેને સહર્ષ વધાવી લીધી.અને સન્ 2002ના વર્ષથી સંસ્થાએ હાયર સેકેન્ડરી વિભાગ શરુ કર્યો.સાથે સાથે પાયાની કેળવણી મળી રહે અને બાળમાનસ શિક્ષણાભિમુખ બને તે માટે "શ્રી ઘનશ્યામ બાલમંદિર " શરુ કર્યુ.
વર્તમાન સમયમાં શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી છે ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીથી આપણી ઉગતીપેઢી વંચિત રહે તે કેમ ચાલે ? સમયની માંગને પારખીને સંસ્થા 'શ્રી હરિ કોમ્પ્યુટર્સ'વર્ગો દ્વારા શાળાના બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ પણ વિના મૂલ્યે પુરુ પાડે છે.
સંસ્થાએ હાલ બાલમંદિરથી હાયરસેકન્ડરી સુધીના શિક્ષણની સુવિધા ગામને પુરી પાડી છે.આજુબાજુના ગામના બાળકો પણ ભણવા આવે છે. સંસ્થાની સુવાસ જોઈને અમરેલીના લોકલાડીલા સાંસદ શ્રી દિલીપભાઈ સંઘાણીએ પણ સંસ્થાના બાંધકામમાં પોતાની ગ્રાન્ટ ફાળવીને આર્થિક સહયોગ આપ્યો છે.
બાળકોના સર્વાંગી વિકાસ કરવા સંસ્થા કટીબદ્ધ છે.સંસ્થામાં દરવર્ષે ધાર્મિક,રાષ્ટ્રીય,સામાજિક અને શૈક્ષણિક ઉત્સવોની ઉજવણી થાય છે.સંસ્થા પાસે વિજ્ઞાનખંડ,ઉદ્યોગખંડ,લાઈબ્રેરી,વગેરેની પણ સુવિધા છે. શાળાનું અદ્યતન બિલ્ડીંગ તૈયાર થવાના આરે છે.
સમય અને સમાજની માંગને પહોંચી વળવા સંસ્થા શિક્ષણક્ષેત્રે હજુ પણ આગળ વધવાનું ભાવી સ્વપ્ન સેવે છે.સંસ્થા દિન પ્રતિદિન વિકાસના સોપાનો સર કરતી જાય છે.બાળકોને શિક્ષણ સાથે સારા સંસ્કાર મળઈ રહે તે માટે પૂ.સંતો અને શિક્ષકો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે.
|