ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપથી વિસ્તરતા વાપી નગરમાં શ્રી સ્વામિનારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા ઈ.સ.1995માં પૂ.પેઈન્ટર સ્વામી શ્રી ધર્મતન્યદાસજી તથા પુરાણી સ્વામી કેશચરણદાસજીના આશીર્વાદથી સ્વામી ભક્તિકિશોરદાસજીએ શિક્ષણ તથા સેવાને સમર્પિત લોકોના સહકારથી બાલમંદિરથી શરુ કરેલ શિક્ષણયાત્રા આજે ધોરણ 12 સુધી પહોંચી છે.
ગુજરાત સરકારે આ શૈક્ષણિક સંકુલ માટે છ એકર જમીન મહેસુલ ફ્રીથી ફાળવી સંસ્થાના કાર્યને પ્રોત્સાહન આપેલ છે.
બત્રીસ એકરના વિશાળ સણીયા તળાવને કાંઠે પ્રકૃત્તિની ગોદમાં વસેલુ આ વિદ્યાસંકુલ બાળકોમાં પ્રકૃત્તિ સાથેનું તાદાત્મ્ય પ્રગાઢ કરે છે અને જીવન જીવવાની એક નવી ઉન્મુક્ત દ્રષ્ટિનું સિંચન પણ કરે છે.જે બાળકોના માનસિક,બૌદ્ધિક,અને આધ્યાત્મિક વિકાસમાં મદદરુપ બને છે.બાળકમાં રહેલી સુષુપ્તશક્તિઓ વિકસે તેવું વાતાવરણ પુરુ પાડવું એ આ સંસ્થાનો મુખ્ય હેતુ છે.
આ સંસ્થા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સી.બી.એસ.ઈ.)દિલ્હી સાથે સંલગ્ન છે.સંસ્થામાં શિક્ષણની સાથે સાથે સંગીત,ચિત્રકલા,હસ્તકલા, યોગ,નૃત્ય, રમતગમત,કરાટે,પર્વતારોહણ વગેરે સહઅભ્યાસ પ્રવૃત્તિઓનું પ્રશિક્ષણ પણ પ્રદાન કરવામાં આવે છે.સંસ્થા પાસે અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેક્ષ, કોમ્પ્યુટર લેબ-2,મેથ્સ,બાયોલોજી,કેમેસ્ટ્રી અને ફિજીક્સ લેબ, અદ્યતન લાયબ્રેરી,ઓડીયો વિજ્યુઅલ હોલ, એમ્ફી થીયેટર વગેરેની સુંદર સુવિધા છે.
ધોરણ પાંચ સુધી ભાર વગરનું ભણતર બાળકોને આપવાનો પ્રયાસ છે.તેથી નાના ભૂલકાઓને પરીક્ષાના બોજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમની શૈક્ષણિક સજ્જતા માટે સતત મૂલ્યાંકન કરવામાં આવે છે.
શાળામાં શિક્ષણની સાથે સાથે રમતગમતનું મહત્વ પણ સ્વિકારવામાં આવ્યુ છે.શાળામાં ત્રણ એકરનું વિશાળ મેદાન ઉપલબ્ધ કરવામાં આવ્યુ છે.ફૂટબોલ,બાસ્કેટબોલ,ક્રિકેટ,કબડ્ડી જેવી રમતોનું પ્રશિક્ષણ આપવામાં આવે છે અને બાળકો આંતર શાલેય સ્પર્ધાઓમાં અને જિલ્લાકક્ષાએ , રાજ્ય તથા રાષ્ટ્ર કક્ષાએ પણ સુંદર દેખાવ કરી શકે તેવા સક્ષમ બનાવવામાં આવે છે.
શાળાના બાળકોને પરિવહન સુવિધાઓ પણ મળી રહે તે માટે સ્કૂલ બસોની સુંદર વ્યવસ્થા છે.ગુરુકુળનું સંકુલ વિવિધ પ્રકારના વૃક્ષોથી છવાયેલુ છે.રંગબેરંગી ફૂલો મનને પ્રફૂલ્લિત કરી દે છે.નાના બાળકોને માટે સુંદર બાલવાટિકાની પણ સુવિધા છે.બહારથી અવારનવાર શિક્ષકો માટે ગુરુકુળમાં સ્ટાફ ક્વાટર્સની સુવિધા છે.
ગુરુકુળમાં વાર્ષિક દિન,વાલી દિન,ખેલકુદ દિન,રાષ્ટ્રીયદિન તથા ભારતીય સંસ્કૃત્તિના અન્ય તહેવારોની ઉજવણી સુંદર રીતે થાય છે.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈને અત્રેના 8.5એકરના હરિયાળા સંકુલમાં કલાભવન, વાતાનુકુલિત સભાગૃહ,સ્વીમીંગપુલ, હોસ્ટેલ વગેરેનું ભાવિ આયોજન કરવાની સંસ્થા નેમ રાખે છે.સંસ્થાના વિકાસમાં આજુબાજુના લોકોનો પણ અભૂતપૂર્વ સાથ સહકાર મળી રહ્યો છે જેને કારણે આ શિક્ષણ સંસ્થા આજે વાપી વિસ્તારમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે અત્યારે શાળામાં પૂર્વ પ્રાથમિક વિભાગોથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધી શિક્ષણ આપવામાં આવે છે.હાલ સંસ્થામાં 1600 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે.
સંસ્થાનુ ધો.10નુ રીઝલ્ટ સતત ત્રણ વર્ષથી 100 ટકા આવે છે. તથા ચાલુ વર્ષે ધો.12 (સાયન્સ તથા કોમર્સ બન્ને)નુ 100 ટકા પરિણામ આવેલ છે.
શાળા કેળવણીના ક્ષેત્રમાં આદર્શરૂપ બને એ માટે ટ્રસ્ટીઓ અને કમીટી મેમ્બરો ખૂબ જ પ્રયત્નશીલ છે. આધુનિક શિક્ષણ સાથે સંસ્કારની દિક્ષા એ શાળાનું ધ્યેય છે.લોકોનો સહકાર અને પારદર્શક વ્યવ્હારએ સંસ્થાના સબળ સાધન છે.
|