ભારતીય સંસ્કૃત્તિ,શિક્ષણ અને ધર્મ માટે કાંઈક કરી છુટવાની ઉદાત ભાવનાવાળા નવયુવાન સંત પૂ.શા.સ્વા.પુરુષોત્તમચરણદાસજી તથા સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ સંતો,હરિભક્તોના દિલ જીતી લેનાર પાર્ષદ શ્રી નાનજીભગતના સહિયારા પુરુષાર્થની ફળશ્રુતિરુપે કર્ણાવતીથી 20 કિ.મી. દૂર નયનરમ્ય,પ્રાકૃતિક વાતાવરણમાં 'શ્રી સ્વામિનારાયણ સંસ્કાર દીપ ટ્રસ્ટ'દ્વારા ઝુંડાલ મુકામે ઈ.સ.1987માં શિક્ષણ સેવારુપી યજ્ઞોનો આરંભ થયો.
જુન 1987માં "શ્રી સ્વામિનારાયણ સંસ્કાર શિશુ વિદ્યાલય"ની સ્થાપના કરવામાં આવી.એક જ વર્ષમાં પ્રાથમિક શિક્ષણક્ષેત્રે 100ટકા સફળતા મળતા. બીજા વર્ષે માધ્યમિક શિક્ષણની શરુઆત કરી.ઉત્સાહી સંતો અને ધગશવાળા શિક્ષકગણની સતત દેખભાળ અને મહેનતના કારણે એસ.એસ.સી.ના ઝળહળતા પરિણામો મળ્યા.તેની ફળશ્રુતિરુપે હાયર સેકેન્ડરી વિભાગ પણ શરુ કરવામાં આવ્યો.સમાજનો પણ ખૂબ જ સારો પ્રતિસાદ અને સહકાર સાંપડ્યો.
સમય સાથે કદમ મિલાવ્યા વિના કેમ ચાલે? ગુરુકળની શાળામાં અભ્યાસ કરતા બાળકો કોમ્પ્યુટરથી વંચિત ન રહી જાય તે માટે સંસ્થાએ ધો.6 થી 11માં ફરજિયાત કોમ્પ્યુટર શિક્ષણ દાખલ કર્યુ છે.
શિક્ષણનું એક વધુ સોપાન સર કરવા ચાલુ વર્ષથી સંસ્થઆએ એક પી.ટી.સી.કોલેજ અને ફાર્મસી કોલેજ પણ શરુ કરી છે.
ગુરુકુળના બાળકોની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે સંસ્થામાં અવારનવાર વિવિધ પ્રકારની હરિફાઈઓ યોજવામાં આવે છે.અને બાળકોને પ્રોત્સાહનરુપે ઈનામો આપવામાં આવે છે.
તંદુરસ્ત તનમાં તંદુરસ્ત મનને કેળવવા,વર્તમાન સમાજમાં પ્રવર્તતા દુષણો કે પાન,મસાલા,ગુટખા, બીડી, વગેરે વ્યસનોથી દૂર રાખવા બાળકોને યોગનું શિક્ષણ અને શાસ્ત્રબોધ આપવામાં આવે છે.
સમુહ ભાવના કેળવાય તે માટે સંસ્થામાં એક સાથે 400 વિદ્યાર્થીઓ ભોજન લઈ શકે તેવી વિશાળ અને અદ્યતન ભોજનશાળા છે.તેની જવાબદારી કોઠારી શ્રી નાનજીભગત નિભાવી રહ્યા છે.
બાળકોને પોષ્ટિક આહાર મળી રહે તે માટે સંતોની સીધી દેખરેખ હેઠળ સંસ્થા એક ગૌશાળા પણ ચલાવે છે.
પૂ.શા.સ્વામી પુરુષોત્તમચરણદાસજીની સીધી દેખરેખ અને પ્રેરણા પ્રમાણે સંસ્થાના નવયુવાન ઉત્સાહી સંત શા.સ્વામી ઘનશ્યામચરણદાસજી પણ સંસ્થાના વિકાસ કાર્યો ધગશથી કરી રહ્યા છે.
|